Get The App

ઉત્તરાયણ પછી ગુજરાતમાં ગમે તે ઘડીએ પાલિકા-ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે, રાજકીય પક્ષોમાં ધમધમાટ

Updated: Dec 14th, 2024

GS TEAM


Google News
Google News
Municipal-Gram Panchayat Election In Gujarat


Municipal-Gram Panchayat Election In Gujarat: ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયતની 80 નગરપાલિકા સહિત ચારેક હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ સજ્જ છે. આ વખતે 27 ટકા ઓબીસી અનામતની જોગવાઈ સાથે પાલિકા-પંચાયતની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે. એવી જાણકારી મળી રહી છે કે, ઉત્તરાયણ બાદ ગમે તે ઘડી પાલિકા-પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. પંચાયતની ચૂંટણીઓને પગલે રાજકીય પક્ષોએ પણ અત્યારથી ચૂંટણી મેદાનમાં ઉતરવા તૈયારીઓ આદરી છે.

આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રથમ મતદાર યાદી જાહેર થશે

વિધાનસભાની ચૂંટણી જીતવાનો પાયો નાખવા ભાજપ-કોંગ્રેસે તો અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે ચૂંટણી પંચ પણ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ માટે સજ્જ થયું છે. મીની  ધારાસભા સમાન આ ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ મતદાર યાદીને ઓપ આપી રહ્યું છે. હજુ ઘણાં જિલ્લામાં મતદાર યાદીનું કામકાજ ચાલુ છે. આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રાથમિક મતદાર યાદી જાહેર થાય તેમ છે.

આ પણ વાંચો: યુ એન મહેતા હોસ્પિટલમાં ગુજરાત ATSનું ઓપરેશન: હથિયારો સાથે બેની ધરપકડ

આ વખતે પાલિકા-પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. જાણવા મળ્યું છે કે, ફેબ્રુઆરીમાં વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે તે પહેલાં જ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ યોજાઈ જાય તે માટે ચૂંટણી પંચ તૈયારી કરી રહ્યું છે. હાલ પંચાયત પર વહીવટદારોનું શાસન છે, ત્યારે રાજકીય પક્ષોને પણ આ ચૂંટણી વહેલી તકે યોજાય તેમાં રસ છે. ઉલ્લેખનીય છે કે, 470 ગ્રામ પંચાયત, બે જિલ્લા પંચાયત ઉપરાંત જૂનાગઢ મ્યુનિસપલ કૉર્પોરેશન સહિત ૭૯ નગરપાલિકામાં ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે.

નવા પ્રદેશ પ્રમુખ મુદ્દે ભાજપ હજુ અવઢવમાં

દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પાટીલના નિવાસસ્થાને યોજાયેલી ફેરવેલ પાર્ટી બાદ ગુજરાતને નવા ભાજપ પ્રદેશ પ્રમુખ મળશે તેવી ચર્ચા ચાલી હતી પણ હજુ સુધી કોઈ ઠેકાણું પડ્યું નથી. નવા સંગઠનની રચના થઈ રહી હતી ત્યારે ઉંમરને લઈને બબાલ મચી છે જેના કારણે સંગઠન પ્રક્રિયા પર પણ રોક લાગી ગઈ છે. હજુ સુધી ભાજપ હાઇકમાન્ડ ગુજરાત ભાજપની કમાન કોને સોપવી તે મુદ્દે નિર્ણય લઈ શકી નથી. જો કે, હજુ પાલિકા પંચાયતની ચૂંટણીઓ કોના વડપણ હેઠળ લડાશે તે નક્કી નથી. હવે એવી સ્થિતી સર્જાઈ છે કે, ભાજપે નવા સંગઠનની રચનાની સાથે સાથે પાલિકા-પંચાયતના ઉમેદવાર પસંદગી પ્રક્રિયા કરવી પડશે.

ઉત્તરાયણ પછી ગુજરાતમાં ગમે તે ઘડીએ પાલિકા-ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે, રાજકીય પક્ષોમાં ધમધમાટ 2 - image

Tags :