IPSની હૂંસાતુસીથી સીએમના કાફલામાં 7 કાર મંજૂરી વિના સાત મહિનાથી દોડતી હોવાનો દાવો
Representative image |
Ahmedabad News: આમ જૂઓ તો વાત કંઈ નથી પણ આટલી વાતમાં ઘણું બધું છે. કારણ મુદ્દો રાજ્યના મુખ્યમંત્રીની સલામતી અને તેમના કોન્વોયનો છે. મુખ્યમંત્રીના કોન્વોયમાં છેવટે સાત નવી ફોર્ચ્યુનર કાર સામેલ કરવામાં આવી છે અને સાત મહિના કરતાં વધુ સમયથી કોન્વોય સાથે દોડી રહી છે. પરંતુ ઝટકો આપે તેવી બાબત એ છે કે આ તમામ નવી કારને સત્તાવાર મંજૂરી મળી નથી છતાં કોન્વોયમાં સામેલ કરાઈ છે. આમ તો સાત નવી નકોર કારમાં વાંધાજનક કંઈ નથી પણ આઈ.પી.એસ. વચ્ચેની હુંસાતુંસીમાં સી.એમ. કોન્વોય કારની મંજૂરીની ફાઈલ અટવાઈ પડી હોવાનો મુદ્દો ગંભીર છે.
સ્કોર્પિયોને વિદાય આપી સીએમના કાફલામાં ફોર્ચ્યુનર સામેલ!
પોલીસ બેડામાં ચર્ચા અનુસાર, મુખ્યમંત્રીના સુરક્ષા કાફલામાંથી જૂની સ્કોર્પિયોને વિદાય આપીને ફોર્ચ્યુનર સામેલ કરવામાં આવી તેની સાાવાર મંજૂરી હજુ સરકારી ફાઈલોમાં અટવાયેલી પડી છે. વાત એમ છે કે, મુખ્યમંત્રી કાફલા માટે આવેલી નવી કારની ટેકનિકલ અને સુરક્ષાલક્ષી તપાસણી કરવા માટે એક કમિટી બનાવવામાં આવે છે. કમિટીમાં સામેલ આઈપીએસ ઓફિસર્સ કારના ચેકિંગ કરી મંજૂરી આપતી સહિઓ કરે તે પછી કાર મુખ્યમંત્રીના કાફલામાં સામેલ કરવામાં આવે છે.
વર્તમાન સ્થિતિ એ છે કે, મુખ્યમંત્રી માટે ફોર્ચ્યુનર લવાઈ તે પછી સુરક્ષા કાફલામાં સાતેક મહિનાથી નવી સાત ફોર્ચ્યુનર આવી છે. સુરક્ષાના જરૂરી ઉપકરણો લગાવી આ કાર કાફલામાં સામેલ કરાઈ છે. પરંતુ સી.એમ. કોન્વોય માટે ફાળવી દેવાયેલી કારની ફાળવણીની સત્તાવાર પ્રક્રિયા હવે ચાલી રહી છે તેમાં વિવાદ સર્જાયો હોવાની ચર્ચા પોલીસ તંત્રમાં છે.
આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન દોડાવાશે, સ્પીડ જાણી ચોંકશો
પોલીસ તંત્રમાં ચર્ચા મુજબ, આ નવી સાત ફોર્ચ્યુનરને મુખ્યમંત્રી કાફલામાં સામેલ કરવાની સત્તાવાર મંજૂરી આપતી સહિ એક સિનિયર આઈપીએસ અને એક એસ.પી. કક્ષાના આઈ.પી.એસ. કરી ચૂક્યા છે. પરંતુ કમિટીમાં સામેલ અન્ય એસ.પી. કક્ષાના આઈપીએસ ફાઈલમાં સહિ કરવા તૈયાર થયાં નથી. તેમણે તો એવું કહી દીઘું છે કે, તમામ સાત કાર લાવો... દરેકની ફિટનેસ ચેક કરીશ તે પછી જ સહિ કરીશ. મુખ્યમંત્રી કાફલામાં સામેલ થઈ ચૂકેલી કારની ફિટનેસ તપાસવાની જવાબદારી આ અધિકારીની છે. એટલે સત્તાવાર રીતે તેઓ સાચા છે. વાસ્તવિક રીતે હવે સંભવ જણાતું નથી.
સુરક્ષા કાફલાની કારની પૂરતી તકેદારી જવાબદારોએ તકેદારી લીધી છે. આ તમામ કાર કાફલામાં સામેલ થઈ ચૂકી છે. ત્યારે સત્તાવાર મંજૂરીની સહિ આવશ્યક છે. સિનિયરોની વાત નહીં સમજતા અને માનતા એસ.પી. કક્ષાના આઈપીએસ જીદે ચડ્યાની ચર્ચા છે. આથી જ અમુક અધિકારીઓ ફાઈટરસિંગે ફરી વિવાદનો મધપૂડો છંછેડ્યો હોવાની કોમેન્ટ કરીને ઘટનાક્રમની મજા પણ લઈ રહ્યાં છે. જ્યારે, જવાબદારો એક-બે દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે તેમ જવાબદારો કહે છે. આ વિવાદમાં કોણ કેટલું સાચું તે સ્પષ્ટ થઈ શકે તેમ નથી કારણ કે આઈપીએસ અધિકારીઓના પોતપોતાના તર્ક છે. સૌથી મોટો સવાલ એ છે કે, આઈપીએસની જીદ મોટી કે રાજ્યના મુખ્યમંત્રીની સુરક્ષા?
એક બાજુ પર્યાવરણની વાતો અને બીજી તરફ રોફદાર કોન્વોયમાં નીકળી પેટ્રોલનો ઘૂમાડો
ગ્રીન ગુજરાતની ગુલબાંગો વચ્ચે પર્યાવરણની વાતો વચ્ચે રોફદાર કોન્વોયમાં નીકળીને પેટ્રોલનો ઘૂમાડો કરવામાં આવી રહ્યાંની ચર્ચા છે. લોકો ચર્ચે છે કે, ડો. જીવરાજ મહેતા કોઈ ડર વગર એમ જ ફરતાં હતાં. હવે સુરક્ષાના નામે રોફ જમાવવાની માનસિકતા પોષવા માટે પ્રજાના નાણાંથી લાખો રૂપિયાની નવી કાર સમયાંતરે ખરીદવામાં આવે છે. મુખ્યમંત્રીની કાર ઉપરાંત તેમના કાફલામાં સલામતી માટે છ કાર હોય છે. તો, છ કાર ઈમરજન્સી ઉપયોગ માટે સ્ટેન્ડ-બાય કોન્વોય તરીકે રખાય છે. હદ તો એ છે કે, મુખ્યમંત્રીની સુરક્ષામાં આધુનિક ઉપકરણોથી સજ્જ છ કાર હોય છે તેમ છતાં જે વિસ્તારમાંથી નીકળે તે લોકલ પોલીસનો કાફલો પણ આગળ-પાછળ હોય છે.