સૌથી વધુ નિકાસ મામલે રાજ્યોમાં ગુજરાત અને જિલ્લાઓમાં જામનગર નંબર-1, જુઓ આંકડા
Gujarat Top Exporting State In India: ભારતની નિકાસમાં સૌથી વધુ યોગદાન આપવામાં ગુજરાત ફરી એકવાર પ્રથમ સ્થાને રહ્યું છે. જ્યારે સૌથી વધુ નિકાસ કરતા જિલ્લાઓમાં પેટ્રોલિયમ પેદાશોનું હબ જામનગર દેશમાં અવ્વલ ક્રમે આવ્યું છે.
ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સોપોર્ટ ઓર્ગેનાઇઝેશન(ફિયો)ના 2024-25ના વર્ષના એનાલિસિસ અનુસાર, ગુજરાતમાંથી રૂ. 9.83 લાખ કરોડની નિકાસ થઈ છે જે દેશની કુલ નિકાસમાં 26.6 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે જામનગરમાંથી કુલ રૂ. 3.63 લાખ કરોડની નિકાસ નોંધાઈ છે.
નિકાસ ઘટી પણ હિસ્સો વધુ
સૌથી મહત્ત્વનું છે કે ગુજરાત પરંપરાગત ક્ષેત્રોમાં નિકાસ કરવામાં અગ્રણી છે તેની સાથે હવે સ્પેસક્રાફ્ટ કે એરક્રાફ્ટના પાર્ટ, જહાજો, ટેકનિકલ ટેક્સટાઇલ્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ ક્ષેત્રે પણ બાજી મારી છે. ફિયોના અહેવાલ અનુસાર વર્ષ 2023-24માં ગુજરાતની કુલ નિકાસ રૂ. 11.13 લાખ કરોડ હતી જે 2024-25માં ઘટી રૂ. 9.83 લાખ કરોડ નોંધાઈ છે. નિકાસમાં ઘટાડા પાછળનું કારણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો અને લેબગ્રોન ડાયમંડના કારણે હીરાની નિકાસમાં ઘટાડો હતો. તેમ છતાં દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો વધુ રહ્યો છે.
આ પણ વાંચોઃ ખોટનો ધંધો! ગુજરાતના 8 એરપોર્ટને 10 વર્ષમાં 818 કરોડનું નુકસાન, જેમાં સૌથી વધુ રાજકોટને
અમેરિકામાં 1.54 લાખ કરોડની નિકાસ ગુજરાતમાંથી
ગુજરાતમાંથી પ્લાસ્ટિકની બનાવટો, એન્જિનિયરીંગ પ્રોડક્ટની નિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે. નિકાસ માટે મહત્ત્વના વિદેશી બજારોમાં ગુજરાતનો દબદબો બરકરાર રહ્યો છે. 2024-25માં ગુજરાતમાંથી અમેરિકામાં કુલ રૂ. 1.54 લાખ કરોડની નિકાસ નોંધાઈ હતી. આ ઉપરાંત, નેધરલૅન્ડ, યુએઈમાં નિકાસ વધી હતી, જ્યારે ચીન, સિંગાપોર જેવા બજારમાં નિકાસ આંશિક ઘટી હતી.
ફાર્માની નિકાસમાં અમદાવાદ અવ્વલ
પેટ્રોલિયમ પેદાશ સિવાયની નિકાસ ગણતરીમાં અમદાવાદ ગુજરાતમાં સૌથી મોટું એક્સપોર્ટ હબ છે. ફાર્મા ક્ષેત્રની વાર્ષિક નિકાસમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2023-24માં ગુજરાતથી કુલ 33242 કરોડની નિકાસ સામે ફાર્માની નિકાસ 2024-25માં વધી રૂ. 39983 કરોડ થઈ છે.
એરક્રાફ્ટ, શીપના પાર્ટમાં પણ ગુજરાતનો નિકાસ હિસ્સો વધ્યો
પરંપરાગત રીતે વૈશ્વિક બજારમાં નિકાસ કરવામાં ગુજરાત ટેક્સટાઇલ્સ, પેટ્રો પ્રોડક્ટ, ફાર્મા, જેમ ઍન્ડ જવેલરીમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં હવે એરક્રાફટ, સ્પેસક્રાફ્ટના પાર્ટ્સ, શીપ, રેલવે એન્જિન, મેડિકલ ઇક્વિપમેન્ટ, ફર્ટીલાઇઝરની નિકાસ પણ થઈ રહી છે. આ નિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી સ્પેસ અને એરક્રાફ્ટના પાર્ટની નિકાસ ગત વર્ષે રૂ. 50 કરોડ હતી જે 2024-25માં વધી રૂ. 492 કરોડ નોંધાઈ છે. શીપીંગમાં ગુજરાતમાંથી રૂ. 4609 કરોડ સામે રૂ. 17135 કરોડની નિકાસ થઈ છે. ગુજરાતમાંથી 2024-25માં તાજા શાકભાજીની નિકાસ રૂ. 4106 કરોડ, મેડિકલ ઇક્વિપમેન્ટની નિકાસ રૂ. 5654 કરોડ, ટેક્નિકલ ટેક્સટાઇલની નિકાસ રૂ. 1150 કરોડ નોંધાઈ છે.