કોસ્ટલ ટુરિઝમના નામે વધુ એક ગતકડું, પોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ શરૂ કરાશે
Launch New Cruise Service : હજીરા-ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ પાંચ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. હવે ‘કોસ્ટલ ટુરિઝમનું વધુ એક ગતકડું લાવવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે. જેમાં પડાલા ટાપુ-કચ્છનું રણ, પોરબંદર-વેરાવળ-દીવ, દ્વારકા-ઓખા-જામનગર જેવા રૂટમાં ક્રુઝ સર્કિટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ગુજરાત પાસે 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છતાં ક્રુઝ ટર્મિનલ મામલે કેરળ, મહારાષ્ટ્ર કરતાં ઘણું પાછળ
ક્રુઝ ભારત મિશન માટે ક્રુઝ શિપિંગ પોલિસીની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે દ્વારા તાજેતરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રુઝ ભારત મિશનના ભાગ રૂપે, ગુજરાતે તેના પશ્ચિમ કિનારા પર વિવિધ સંભવિત ક્રુઝ સર્કિટનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા અને પડાલા ટાપુ જેવા મુખ્ય સ્થળો તેમજ કાર્યરત ઘોઘા-હઝીરા રો-પેક્સ સેવાનો પણ સમાવેશ થાય છે. આ પ્રસ્તાવિત રૂટને ત્રણ ક્લસ્ટરમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પડાલા ટાપુ-કચ્છનું રણ, પોરબંદર-વેરાવળ-દીવ, દ્વારકા-ઓખા-જામનગર આ ક્લસ્ટરમાં સામેલ છે.
આ પણ વાંચો: ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા ભાન ભૂલ્યાં, કહ્યું- સગર્ભાને ઝોળીમાં લઈ બે ખેતર ચાલવું પડે તો...
દરેક ક્લસ્ટર પ્રવાસનને ઘ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે. ખાસ તો, એ ક્લસ્ટરના 100 કિમીની અંદર મુખ્ય ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેથી ક્રુઝ મુસાફરોને વધુ આકર્ષણ અને મનોરંજનના વિકલ્પો મળી રહે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ક્રુઝ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી.
આ મિશનનો ઉદ્દેશ આગામી દાયકામાં ભારતને વિશ્વ સ્તરનું ક્રુઝ પર્યટન કેન્દ્ર બનાવવાનો છે અને 2029 સુધીમાં દરિયાઈ ક્રુઝ પ્રવાસનને દસ ગણું વધારવાનો છે. દેશમાં મુંબઈ, કોચીન, ચેન્નઈ, અને મોર્મુગાઓ જેવા મુખ્ય બંદરોએ ક્રુઝ ટર્મિનલ વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે પણ ગુજરાત આ મામલે હજુ ઘણું પાછળ છે.
ક્યાં ક્રુઝ સર્કિટ શરૂ કરવા વિચારણા?
પડાલા ટાપુ- કચ્છનું રણ
પોરબંદર-વેરાવળ-દીવ
દ્રારકા-ઓખા-જામનગર