ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા ભાન ભૂલ્યાં, કહ્યું- સગર્ભાને ઝોળીમાં લઈ બે ખેતર ચાલવું પડે તો...
BJP MLA Rajendra Rathva Statement: ભાજપના 30 વર્ષના શાસન પછી ય આદિવાસી વિસ્તારોમાં હજુ રસ્તા બન્યાં નથી. રસ્તાના અભાવે આદિવાસી વિસ્તારોમાં આજેપણ સગર્ભા મહિલાઓને ઝોળીમાં નાંખીને લઇ જવી પડે છે. આવી કરુણ પરિસ્થિતિ હોવા છતાંય ભાજપના ધારાસભ્યને આદિવાસી જનતાના દુખની પડી નથી પરંતુ તેમણે એવુ કહ્યુંકે, હવે તો સગર્ભાને ઝોળીમાં નાંખીને લઇ જવાનો જાણે ટ્રેન્ડ વધ્યો છે.
30 વર્ષ પછી આદિવાસી વિસ્તારોમાં રસ્તા બન્યાં નથી, ધારાસભ્યએ પ્રજા પર દોષનો ટોપલો ઢોળ્યો
એક તરફ, છેવાડાના વિસ્તાર સુધી વિકાસ થયો છે. છેવાડાના માનવી સુધી લાભ પહોંચ્યો છે તેવો સરકાર દાવો કરી રહી છે પણ કડવી હકીકત એછેકે, પછાત-આદિવાસી વિસ્તારોમાં આજેય રસ્તા બની શક્યા નથી જેથી લોકોને દૂર દુર સુધી ચાલવુ પડે છે. તેમાં દર્દીઓને ઝોળીમાં નાંખીને લઇ જવા પડે છે કેમકે, રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ જે તે સ્થળ સુધી જઇ શકતી નથી.
આ પણ વાંચો: VIDEO : વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 3નાં મોત
આદિવાસી વિસ્તારોમાં દર્દીઓને ઝોળીમાં નાંખીને લઇ જવાના ઘણાં કિસ્સા જોવા મળ્યાં છે ત્યારે મૂળ કોંગ્રેસી અને છોટા ઉદેપુરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ એવુ કહ્યુંકે, સગર્ભાને ઝોળીમાં નાંખીને લઇ જવાનો જાણે ટ્રેન્ડ વધ્યો છે. એકાદ બે ખેતરમાં ચાલીને જવુ તો એમાં શું થયું ? અત્યાર સુધી કોંગ્રેસમાં રહીને ભાજપને ગાળો ભાંડવામાં જેમણે કોઇ કસર છોડી નથી તે ધારાસભ્ય હવે ભાજપ સરકારની વાહવાહી કરવામાં લાગી પડ્યાં છે.
ભાજપના શાસનના 30 વર્ષ પછી પણ આદિવાસી વિસ્તારમાં માર્ગો બન્યાં નથી, આરોગ્યની સુવિધાના ઠેકાણાં નથી તે નરી વાસ્તવિકતા રાજેન્દ્ર રાઠવા સ્વિકારવા તૈયાર નથી. તેમણે સરકારને બદલે આદિવાસી પ્રજા પર દોષનો ટોપલો ઢોળી દીધો. જેમના મતોથી રાજેન્દ્ર રાઠવા ધારાસભ્ય બન્યાં છે તે આદિવાસી મતદારોની વેદના જાણવામાં પણ તેમને રસ રહ્યો નથી.