Get The App

ગુજરાતમાં ધોરણ 3થી 8મા હવે ત્રિમાસિક કસોટી લેવાશે, ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણો બાદ કરાયો ફેરફાર

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ધોરણ 3થી 8મા હવે ત્રિમાસિક કસોટી લેવાશે, ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણો બાદ કરાયો ફેરફાર 1 - image
AI Images

Trimester Exams In Gujarat: પ્રાથમિક શિક્ષણમાં મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફારો માટે સરકારે રચેલી ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણો બાદ સરકારે ધોરણ 3થી 8ની પરીક્ષા-પરિણામ-મૂલ્યાંકન પદ્ધતિઓમાં ફેરફાર કર્યો છે. જેમાં એકમ (પખવાડીક) કસોટીઓની પદ્ધતિ રદ કરી દેવાઈ છે અને હવે આ વર્ષથી ત્રિમાસિક કસોટી પદ્ધતિ દાખલ કરાઈ છે. જેમાં પ્રથમ ત્રિમાસિક કસોટી 18મી ઑગસ્ટથી તમામ પ્રાથમિક સ્કૂલોમાં એક સાથે શરુ કરવામા આવશે. જ્યારે પ્રથમ સત્રાંત એટલે છ માસિક પરીક્ષાની તારીખો-ટાઇમ ટેબલ પણ જીસીઈઆરટી દ્વારા જાહેર કરાયું છે. જે મુજબ પ્રથમ સત્રાંત પરીક્ષા છઠ્ઠી ઑક્ટોબરથી લેવાશે.

પખવાડીક એકમ કસોટી રદ

સરકારે રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ, કોર્પોરેશન સંચાલિત અને ખાનગી સહિતની તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 3થી 8ના શિક્ષણમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે. જેમાં હવે 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન પદ્ધતિ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે. જેને પગલે જીસીઈઆરટી દ્વારા નવી પરીક્ષા-મૂલ્યાંકન પદ્ધતિ પણ જાહેર કરાયા છે. ધોરણ 3થી 8મા એકમ કસોટી પદ્ધતિ રદ કરીને હવે તેના સ્થાને ત્રિમાસિક કસોટી લાગુ કરાઈ છે. જમાં પ્રથમ ત્રિમાસિક કસોટી તમામ સ્કૂલોમાં એકસાથે 18થી 30મી ઑગસ્ટ દરમિયાન લેવાશે અને જેમાં દરેક વિષયની એક કસોટી 40 માર્કસની લેવાની રહેશે. જેનું ટાઇમટેબલ સ્કૂલો પોતાની રીતે નક્કી કરી શકશે. સ્કૂલોએ હવે દરેક સત્રમાં 15 દિવસના સમય ગાળામાં દરેક વિષયની 40-40 ગુણની એક-એક કસોટી લેવાની રહેશે. 

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ

આ પ્રથમ ત્રિમાસિક કસોટી માટે 15મી ઑગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે. ત્રિમાસિક કસોટીના માર્કસ હવે ફાઇનલ પરિણામમાં પણ ઉમેરાશે. સરકારે પ્રાથમિક શિક્ષણમાં ફેરફારો કરતાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ સાથે બોધાત્મક ભાવનાત્મક અને મનોગામિક ક્ષેત્રોની સિદ્ધિઓને પણ ધ્યાને લેવા સર્વાંગી વિકાસ સાથે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-એચપીસી તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાનું નક્કી કર્યુ છે. જેમાં શિક્ષકનું, સહપાઠીનું, વિદ્યાર્થીનું પોતાનું અને વાલીનું એમ ચારેયનું મૂલ્યાંકન હશે.

અગાઉ એકમ કસોટીઓના માર્કસ ફાઇનલ પરિણામમાં ઉમેરાતા ન હતા, પરંતુ હવે ત્રિમાસિક કસોટીના માર્કસ સત્રાંત-વાર્ષિક પરીક્ષાના પરિણામમાં ઉમેરાશે અને અંતિમ પરિણામમાં દર્શાવાશે. કુલ 200 માર્કસના આધારે પરિણામ તૈયાર કરાશે. જીસીઈઆરટી દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ છઠ્ઠી ઑક્ટોબરથી 14મી ઑક્ટોબર સુધી પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરમ 3થી 8મા એક સાથે તમામ સ્કૂલોમાં લેવાશે. સરકારી સ્કૂલો માટે કોમન પ્રશ્નપત્ર રહેશે. ધોરણ 3થી 5મા 40 માર્કસની અને ધોરણ 6થી 8મા 80 માર્કસની આ પરીક્ષા રહેશે. આમ હવે ધોરણ 9થી 12ની જેમ ધોરણ 3થી 8મા પણ પ્રથમ સત્રાંત પરીક્ષા નવરાત્રિ બાદ જ લેવાશે.

Tags :