Get The App

ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
Gujarati Movies Popularity Challenges


Gujarati Movies Popularity Challenges: ગુજરાતી ફિલ્મોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોથી વધી છે. મોટાભાગની ફિલ્મો હવે શહેરી દર્શકોને કેન્દ્રમાં રાખીને બનાવાય છે. આમ છતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અપેક્ષા પ્રમાણે દર્શકોને થિયેટરો સુધી ખેંચી લાવવામાં સફળ થઈ નથી. ગુજરાતી ફિલ્મો અંગે દર્શકોની પસંદ અને નાપસંદ જાણવા માટે એમ.એસ. યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીના એમબીએના વિદ્યાર્થી રાહિલ સોનીએ ફેકલ્ટીના વરિષ્ઠ અઘ્યાપક સ્મિતા ત્રિવેદીના હાથ નીચે એક સર્વે કર્યો હતો.

દર્શકો માને છે ગુજરાતી ફિલ્મોનું કદ મોટા પડદાને અનુરુપ નથી હોતું 

આ સર્વેમાં રાહિલ સોનીએ 160 લોકોને સામેલ કર્યા હતા. જેમાંથી 56 ટકા લોકો 15થી 24 વર્ષની વયજૂથના તેમજ 23 ટકા લોકો 25થી 34 વર્ષની વયજૂથના હતા. 160 પૈકીના 61 ટકા લોકો 50,000 કે તેનાથી વધારે માસિક આવક ધરાવતા હતા. આ સર્વેમાં લોકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કયા કારણસર તમે ગુજરાતી ફિલ્મો જોવાનું ટાળો છો? જેના જવાબમાં 12 ટકા લોકોએ ટિકિટની ઊંચી કિંમતને જવાબદાર ઠેરવી હતી. 37 ટકાએ ઓટીટી પ્લેટફોર્મના કારણે ઘરે આરામથી ફિલ્મ જોવાનું ગમે છે તેમ કહ્યું હતું. 18 ટકાએ એવું કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મો જોવા લાયક નથી હોતી.

સર્વે કરનાર વિદ્યાર્થીઓના ગાઇડ સ્મિતા ત્રિવેદીનું કહેવું છે કે, લોકોને કોમેડી શૈલીની ગુજરાતી ફિલ્મો સૌથી વધારે પસંદ છે. ઉપરાંત લોકોને લાગે છે કે, મોટાભાગે ગુજરાતી ફિલ્મોની વાર્તા નબળી હોય છે અને મોટા પડદાના કદ પ્રમાણેની પણ નથી હોતી. આ બાબતોને ગુજરાતી ફિલ્મ સર્જકોએ ઘ્યાનમાં લેવાની જરુર છે તેવો અભિપ્રાય સર્વેમાં જાણવા મળ્યો હતો. 

મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીનો લોકોની પસંદ- નાપસંદ પર સર્વે 

સર્વેમાં લોકોએ ગુજરાતી ફિલ્મો અંગે કહ્યું કે...

- 45 ટકા લોકો ગુજરાતી ફિલ્મો વર્ષે એક કે બે વખત, 34 ટકા બેથી ત્રણ મહિને એક વખત, 10 ટકા લોકો દર મહિને થિયેટરમાં જોવા જાય છે. દર સપ્તાહે ગુજરાતી ફિલ્મ જોનારાની સંખ્યા 2.5 ટકા અને ક્યારેય નહીં જોનારા દર્શકોની સંખ્યા 6 ટકા છે.

- 37 ટકા લોકોને સોશિયલ મીડિયા થકી, 14 ટકા લોકોને અખબારો અને ટીવી થકી, 22 ટકા લોકોને અન્ય લોકોની પ્રશંસા થકી, 17 ટકા લોકોને થિયેટરોમાં લાગેલા પોસ્ટરો થકી ગુજરાતી ફિલ્મોની જાણકારી મળે છે.

આ પણ વાંચો: ભાજપના નેતાઓનો 'ખુરશી મોહ' : સહકારી બેન્કોમાં ડિરેક્ટરોની મુદ્દતનો RBIનો નિયમ પણ અમલ નહીં!

- 60 ટકા વડોદરાવાસીઓનું કહેવું છે કે, ગુજરાતી ફિલ્મોનું કદ મોટા પડદાને અનુરુપ નથી હોતું.

- 46 ટકા લોકો ગુજરાતી ફિલ્મો સાથે ભાવનાત્મક લગાવ અનુભવે છે. 40 ટકા લોકો અમુક અંશે આ પ્રકારની લાગણી ધરાવે છે.

- ગુજરાતી ફિલ્મો જોવા માટે 35 ટકા લોકો વધુ પ્રમાણમાં અને 68 ટકા લોકો ક્યારેક ઓનલાઇન રિવ્યુ પર આધાર રાખે છે. 8 ટકા લોકો ફિલ્મ જોતાં પહેલા ઓનલાઇન રિવ્યુ જોતા નથી.

ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા આડે મોંઘી ટિકિટ, OTT, ઘરે બેસી ફિલ્મ જોવાનું ચલણ મોટો અવરોધ 2 - image

Tags :