Gujarat

ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને! TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત

By GS TEAM
16 Jun 20262 mins read
TukuTouch Logo
ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ હવે ગુજરાતમાં શિક્ષકોએ પણ પોતાની માંગણીઓ સંતોષવા માટે રાજ્યવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના વિવિધ શૈક્ષિક સંગઠનોના નિર્ણય અનુસાર, 17 જૂનથી 20 જૂન સુધી રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક મંડળ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ કલેક્ટર કચેરીઓ ખાતે એકઠા થશે. શિક્ષકો ત્યાં 3 કલાક સુધી ધરણાં પર બેસીને પોતાનો રોષ વ્યક્ત કરશે અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને! TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત

TET Exam Exemption Gujarat Teachers Protest: ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ હવે ગુજરાતમાં શિક્ષકોએ પણ પોતાની માંગણીઓ સંતોષવા માટે રાજ્યવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના વિવિધ શૈક્ષિક સંગઠનોના નિર્ણય અનુસાર, 17 જૂનથી 20 જૂન સુધી રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક મંડળ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ કલેક્ટર કચેરીઓ ખાતે એકઠા થશે. શિક્ષકો ત્યાં 3 કલાક સુધી ધરણાં પર બેસીને પોતાનો રોષ વ્યક્ત કરશે અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરશે.


સુપ્રીમ કોર્ટના ચુકાદાથી શિક્ષકોમાં ભારે અસંતોષ

આ સમગ્ર આંદોલનનું મૂળ કારણ સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકોની યોગ્યતા અંગે આપવામાં આવેલો તાજેતરનો ચુકાદો છે. સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો છે કે શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા જે શિક્ષકોની નોકરીના 5 વર્ષથી વધુનો સમયગાળો બાકી હોય, તેમણે નોકરીમાં ચાલુ રહેવા તેમજ બઢતી મેળવવા માટે TET પાસ કરવી ફરજિયાત રહેશે. જો શિક્ષકો આ નિયમનું પાલન નહીં કરે, તો તેમણે રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે, કોર્ટે માત્ર એવા જ શિક્ષકોને રાહત આપી છે જેમની નોકરીના 5 વર્ષ કરતાં ઓછો સમય બાકી છે.


અનુભવી શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માંગ

સુપ્રીમ કોર્ટના આ નવા નિયમના કારણે વર્ષ 2010 પહેલાં નોકરીમાં જોડાયેલા અંદાજે 1 લાખ જેટલા શિક્ષકોની રોજગારી પર સીધું સંકટ તોળાઈ રહ્યું છે. શિક્ષક સંઘોનો સખત વિરોધ એ વાત પર છે કે વર્ષ 2010 પહેલાં જ્યારે આ શિક્ષકોની ભરતી થઈ હતી, ત્યારે TET અંગેનો કોઈ નિયમ અસ્તિત્વમાં ન હતો અને તેમની નિમણૂક તે સમયના પ્રવર્તમાન સરકારી નિયમો અનુસાર જ કાયદેસર રીતે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ

તેથી, આટલા વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા શિક્ષકોને ફરીથી પરીક્ષા આપવા માટે મજબૂર કરવાને બદલે, વર્ષ 2010 પહેલાના તમામ શિક્ષકોને TETમાંથી કાયમી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે આવતીકાલથી આંદોલન છેડવામાં આવ્યું છે.