નર-માદા શ્વાનની ઓળખ કરો અને ક્યાં રહે છે તે પણ શોધો, સરકારના હાસ્યાસ્પદ આદેશથી તલાટીઓ ભડક્યાં

Stray Dogs Issue: સુપ્રિમ કોર્ટેફટકાર લગાવતાં રાજ્ય સરકારે રખડતાં શ્વાનની ગણતરીની જવાબદારી તલાટીઓના માથે થોપી દેવાઇ છે. જો કે, સરકારે હાસ્યાસ્પદ પરિપત્ર કર્યો છે જેમાં તલાટીઓને કહેવાયું છે કે, રખડતાં નર અને માદા શ્વાનની ઓળખ કરવાની રહેશે. સાથે સાથે રખડતાં શ્વાન ક્યાં રહે છે તે પણ શોધવાાનું રહેશે. સરકારના હાસ્યાસ્પદ આદેશને પગલે તલાટીઓ રોષે ભરાયાં છે.
'શ્વાન ગણવાનું કામ અમારું નહી, પરિપત્ર પાછો નહી ખેંચે તો દેખાવો કરીશું'
ગુજરાતમાં શ્વાન કરડવાના કુલ મળીને 2.41 લાખ કેસો નોંધાયા છે. આ ઉપરાંત શ્વાનના કરડવાથી મૃત્યુ થયા હોય તેવા પણ કિસ્સા બન્યાં છે. આ જોતાં સુપ્રિમકોર્ટે દિશાનિર્દેશ આપતાં રાજ્ય સરકારે તલાટીઓને નવુ કામ સોપ્યું છે. વિકાસ કમિશનરે આદેશ કર્યો છે કે, તલાટીઓએ હવે ક્યા જાહેર સ્થળોએ રખડતાં શ્વાન હોય તે સ્થળોની યાદી તૈયાર કરવી પડશે. દરેક ગ્રામ પંચાયતે રખડતા શ્વાન માટે ફીડીગ ઝોન બનાવવુ પડશે. તલાટીઓએ નર અને માદા શ્વાન પણ અલગથી તારવી સંખ્યા નક્કી કરવી પડશે.
રાજ્ય સરકારના આદેશને પગલે તલાટીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોચ્યો છે. તેમનું કહેવુ છે કે, 'આજે તલાટીઓ ગ્રામ પંચાયતના વહીવટની સાથે સાથે મહેસૂલની કામગીરી, જન્મ-મૃત્યુની નોધણી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપરાંત કૃષિ સહાય માટે દાખલા કાઢવાની કામગીરી કરી રહ્યાં છે. એક એક તલાટીને બે ત્રણ ગામોની જવાબદારી સોંપાઇ છે.'
નર-માદા શ્વાનની ઓળખ વિશે તલાટીઓ કહે છે કે, 'પશુઓ વિશે અમારામાં ક્યાંથી જ્ઞાન હોય. આ કામગીરી તલાટીઓના મનોબળને ધક્કો પહોચાડનારી છે.'
ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળે સરકારને અલ્ટીમેટમ આપ્યુ છેકે, જો સરકાર આ હાસ્યાસ્પદ પરિપત્ર પાછો નહી ખેચે તો, નાછૂટકે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થવુ પડશે.

