વિરમગામ નગરપાલિકાની ઘોર બેદરકારી: મેડિકલ ઈમરજન્સી માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સમાં ફૂલના છોડ લવાયા

Viramgam News : મેડિકલ ઈમરજન્સી માટે ઉપયોગમાં લેવામાં આવતી એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરાયો હોવોની ઘટના સામે આવી છે. જેમાં વિરમગામ નગરપાલિકામાં બગીચા માટે ફૂલના છોડને પાલિકાની એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
વિરમગામ નગરપાલિકાની ઘોર બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં નગરપાલિકા દ્વારા બગીચા માટે ફૂલના છોડ લાવવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની પાસે લાખો રૂપિયાના જાહેર સાધનો અને વાહનો ઉપલબ્ધ હોવા છતાં, ઈમરજન્સી પરિસ્થિતિમાં દર્દીઓને અમદાવાદ હોસ્પિટલ પહોંચાડવા માટે રાખવામાં આવેલી એમ્બ્યુલન્સને અન્ય કામે વાપરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય પટેલને માનવવધની કલમથી મુક્તિ આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
એમ્બ્યુલન્સ જેવી અગત્યની સેવા જનહિત માટે 24 કલાક તૈયાર હોવી જોઈએ. જ્યારે એમ્બ્યુલન્સનું આવા કાર્યોમાં ઉપયોગ ચિંતાજનક છે. વીડિયો વાઈરલ થયા બાદ હવે નગરપાલિકા પ્રશાસન તરફથી શું પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું.

