Gujarat Politics: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ બે વર્ષની વાર છે, પરંતુ રાજકીય પારો અત્યારથી જ ચરમસીમાએ પહોંચ્યો છે. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ અરવિંદ કેજરીવાલ માટે ગુજરાતમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. તાજેતરના એક સર્વે અનુસાર, ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ અકબંધ છે, પરંતુ 'આમ આદમી પાર્ટી' (AAP) કોંગ્રેસને ત્રીજા ક્રમે ધકેલીને રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી શકે છે.
ભાજપનો 49.5% વોટ શેરનો અંદાજ
સર્વે એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં 40,000થી વધુ લોકોનો સમાવેશ થયો હતો. આ સર્વે મુજબ ભાજપને હજુ પણ રાજ્યમાં અન્ય કોઈ રાજકીય પક્ષ તરફથી કોઈ સ્પર્ધાનો સામનો કરવો પડતો નથી. ભાજપ એકલા 49.5 ટકા મત હિસ્સા પર કબજો કરી શક્યો હતો. ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ બહુમતી સાથે સરકાર પણ બનાવી હતી.
આ પણ વાંચો: કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ
અરવિંદ કેજરીવાલની ‘આપ’નો ગ્રાફ ઉંચકાયો
આ સર્વેમાં અનુમાન લગાવ્યો હતો કે, આમ આદમી પાર્ટી રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતનાર અરવિંદ કેજરીવાલની પાર્ટી આ વખતે 24.8 ટકા વોટ શેર મેળવીને કોંગ્રેસને પાછળ છોડી શકે છે. દેશની સૌથી જૂની પાર્ટીને આ વખતે 17.3 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે. 8.4 ટકા લોકોએ કહ્યું કે તે અન્યને વોટ આપશે અથવા અનિર્ણિત હતા.
વિભાગવાર વોટ શેરનો અંદાજ
સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં ભાજપને 47 ટકા મત મળવાનો અંદાજ છે, જ્યારે AAP પણ 28 ટકા મત મેળવીને મજબૂત પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. કોંગ્રેસને ત્યાં ફક્ત 16 ટકા મત મળવાનો અંદાજ છે.
સર્વે મુજબ, ઉત્તર ગુજરાતમાં ભાજપને 51 ટકા, આમ આદમી પાર્ટીને 22 ટકા અને કોંગ્રેસને 19 ટકા મત મળવાની ધારણા છે. મધ્ય ગુજરાતમાં ભાજપને સૌથી વધુ 55 ટકા મત મળવાનો અંદાજ છે. આમ આદમી પાર્ટી (AAP) મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને પાછળ છોડી દેશે તેવી શક્યતા છે. અહીં, AAPને 19 ટકા મત મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસને 18 ટકા મત મળવાની ધારણા છે.


