કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઑક્ટોબરથી સીધી વિમાન સેવા શરુ થશે
Bhuj-Mumbai Air India Flight: એર ઇન્ડિયા દ્વારા કચ્છ અને મુંબઈ વચ્ચે હવાઈ મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. આગામી 26 ઑક્ટોબરથી ભુજ અને મુંબઈ વચ્ચે નવી દૈનિક નોન-સ્ટોપ ફ્લાઇટ સેવા શરુ કરવામાં આવશે, જે મુસાફરોને તહેવારોની સિઝનમાં મોટી રાહત આપશે. કચ્છને દેશના આર્થિક પાટનગર મુંબઈ સાથે જોડતી આ સીધી વિમાન સેવા શરુ થવાથી અહીંના વેપારીઓ અને પર્યટકોને મોટો લાભ થશે.
આ નવી દૈનિક સેવાને કારણે ભુજ અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય માત્ર 1 કલાક અને 25થી 30 મિનિટનો રહેશે, જે સમય અને શક્તિ બંનેની બચત કરશે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આ ફ્લાઇટની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી મુસાફરોની અવરજવર સરળ બનશે અને કચ્છ-મુંબઈ કનેક્ટિવિટી વધુ મજબૂત થશે.
ફ્લાઇટનું સમયપત્રક (26 ઑક્ટોબરથી અમલ)
રૂટ | ઉપડવાનો સમય | આગમનનો સમય | મુસાફરીનો સમય |
મુંબઈથી ભુજ | બપોરે 1:50 કલાકે | બપોરે 3:20 કલાકે | 1 કલાક 25થી 30 મિનિટ |
ભુજથી મુંબઈ | સાંજે 4:00 કલાકે | સાંજે 5:25 કલાકે | 1 કલાક 25 મિનિટ |
કચ્છની કનેક્ટિવિટીમાં વધારો
એર ઇન્ડિયાની આ નવી સીધી ફ્લાઇટ શરુ થવાથી કચ્છ-મુંબઈ વચ્ચેની એર કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થશે. આનાથી કચ્છના વેપારીઓ, નોકરીયાતો અને પ્રવાસીઓને મોટો લાભ થશે, જેમને વારંવાર બંને શહેરો વચ્ચે અવરજવર કરવાની જરૂર પડે છે. આ નવી સુવિધા તહેવારોની સિઝન દરમિયાન મુસાફરીને વધુ સરળ અને સમયની બચત કરનારી બનાવશે.