ન્યાય માટે સચિવાલયના દરવાજા બંધ, રાજકીય તાયફા માટે ખુલ્લા, પ્રજા અને ભાજપ નેતા માટે જુદા-જુદા કાયદા
Ahmedabad News: હક, અધિકાર, ન્યાય માટે શિક્ષિત, બેરોજગાર, ખેડૂતો કે સરકારી નોકરિયાત સચિવાલયનો દરવાજે જાય તો પોલીસ દંડા ફટકારે છે. પરંતુ ભાજપના ધારાસભ્ય સમર્થકો સાથે રાજકીય તાયફો કરવા જાય તો પોલીસ-તંત્ર નતમસ્તકે પડી જાય છે. ટૂંકમાં, કેસરિયો ખેસ પહેરો તો નિયમો નડે જ નહીં.
રાજકીય ડ્રામા માટે ધારાસભ્ય માટે સચિવાલયમાં રેડ કાર્પેટ
ટાટ-ટેટ પાસ ઉમેદવારો, એલઆરડી, જીપીએસસી મુદ્દે અથવા વિવિધ પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓ, આંગણવાડીની બહેનો પાટનગરમાં આંદોલન કરે તો પોલીસ ઢસડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે. આંદોલનકારીઓ લાઠીઓ ઉગામે છે. દેખાવો-વિરોધ પ્રદર્શનનું નામ સાંભળતાં જ પાટનગર જાણે પોલીસ છાવણીમાં તબદીલ થઈ જાય છે.
જ્યારે આજે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે 70થી વઘુ ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર આવી પહોચ્યા ત્યારે સચિવાલયમાં જાણે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. પોલીસે કોઈ રોકટોક કર્યા વિના બધીય ગાડીઓ સાથે સમર્થકોને વિના પાસ જવા દીધા હતા.