એક જ વરસાદમાં 3 હજાર કિ.મી. રસ્તા ધોવાયા, 16 હજારથી વધુ ખાડા પડ્યા અને સરકાર લાજવાને બદલે ગાજે છે
Gujarat Rains: એક જ વરસાદમાં નબળી ગુણવાાને કારણે ગુજરાતમાં કુલ મળીને 3 હજાર કીમીથી વઘુ રસ્તાઓ ધોવાઇ ગયાં છે. આ ઉપરાંત ઠેર ઠેર ખાડા પડ્યાં છે જેના કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. ખાડાને કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. ચોમાસામાં રસ્તાઓની બિસ્માર હાલત ભ્રષ્ટાચારને પુરવાર કરે છે ત્યારે સરકાર લાજવાને બદલે ગાજે છે. ખાડા પુરી, રસ્તાનું સમારકામ કરીને પણ સરકાર વાહવાહી મેળવી રહી છે. વાસ્તવમાં રસ્તા તૂટી જવા, વરસાદી પાણીમાં ધોવાઇ જવાં એ સરકાર માટે શરમજનક વાત છે.
નબળી ગુણવાાનું કામ છતાં પણ મળતિયા કોન્ટ્રાકટરો સામે કોઇ કાર્યવાહી નહીં, ખાડા પૂરી સરકારે જાણે સિદ્ધિ મેળવી
ચોમાસામાં એક સ્થળેથી બીજા સ્થળે જવુ હોય તો ખાડાને લીધે સમય વ્યતિત થાય છે. ઠેર ઠેર ખાડાખૈયાવાળા રોડને લીધે લોકોમાં રોષ ભભૂક્યો છે. સ્થાનિકોની ફરિયાદો પર માર્ગ મકાન વિભાગ તો દરકાર લેતું જ નથી. ધારાસભ્ય-સાંસદો તો શિસ્તતાના મુદ્દે સરકારમાં ફરિયાદ-રજૂઆત કરવા સક્ષમ નથી. આ જોતાં લોકો ફરિયાદ કરવા પણ ક્યાં જાય તે સવાલ ઉઠ્યો છે. નવસારી પાલિકાને રોજ ખાડા સંબધિત 80 ફરિયાદો મળે છે. અહીં વોટ્સએપ પર ફરિયાદ લેવાનું શરૂ કરાયુ છે. ગુજમાર્ગ એપ પર રસ્તા પર ખાડાને લઇને ચાર હજારથી વધુ ફરિયાદો મળી હતી.જોકે, એક જ વરસાદમાં રસ્તા ધોવાઇ જાય છે ત્યારે સરકારને કોન્ટ્રાકટરો વિરુદ્ધ પગલાં લેવાનું સુઝતુ નથી. માત્ર ડામરના થીંગડા મારીને લોકોનો રોષ ઠારવા સરકારે ઉધામા મચાવ્યાં છે.
આજે માર્ગ મકાન વિભાગથી માંડીને મ્યુનિ.કોર્પોરેશન,પાલિકા અને પંચાયતમાં લોકો રસ્તા વિશે ફરિયાદો કરે છે પણ કોઇ ઉકેલ આવતો નથી જેના કારણે ખુદ સરકારને આ મામલે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. જો સ્થાનિક લેવલે ફરિયાદનો ઉકેલ આવે તો લોકોને રાહત અનુભવાય તેમ છે. આજે પણ નેશનલ હાઇવેથી માંડીને શહેરોના રસ્તાની દશા દયનીય બની છે.
ખુદ સરકારે જાહેર કર્યુ છેકે, વરસાદી પાણીને કારણે અમદાવાદમાં 323 કીમી, રાજકોટમાં 378 કીમી, ગાંધીનગરમાં 177 કીમી રસ્તાઓની બિસ્માર હાલત થઇ છે. કુલ મળીને શહેરોમાં 609 કિમી રસ્તા ધોવાયા છે. 16 હજાર ખાડા પડ્યાં છે. હવે આ રસ્તાનું સમારકામ કરી અને ખાડા પુરીને સરકારે જાણે સિદ્ધિ મેળવી હોય તેવુ પુરવાર કરી રહી છે. હકીકતમાં નબળી ગુણવતા સાથે રસ્તાનું નિર્માણ કરતાં કોન્ટ્રાકટરો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરાતી નથી પરિણામે દર ચોમાસામાં આ સમારકામનો દેખાડો થાય છે.
વલસાડ કલેક્ટરનું ફરમાન, ખાડાથી કોઇનું મોત થાય તો માનવવધનો ગુનો દાખલ થશે
વલસાડ કલેક્ટરે પરિપત્ર જારી કર્યો છેકે, જો રસ્તા પર ખાડાને કારણે કોઇ વ્યક્તિનું મોત થશે તો જે તે કોન્ટ્રાકટર સામે માનવવધનો ગુનો દાખલ કરાશે. આ પરિપત્રને લઇને પૂર્વ સાંસદ વિરજી ઠુમરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છેકે, જો વલસાડ કલેક્ટર આ ફરમાન જારી કરી શકે તો આખાય ગુજરાતમાં આનો અમલ કેમ થઇ શકે નહી, ગુજરાત સરકાર બધાય કલેક્ટરોને આ ફરમાનનો અમલ કરવા કેમ આદેશ કરતી નથી. ભાજપ સરકાર કોન્ટ્રાકટરોને કેમ છાવરી રહી છે તે સમજાતુ નથી. વલસાડ કલેક્ટરના પરિપત્રનો આખાય ગુજરાતમાં અમલ કરવો જોઇએ.