Get The App

RTEમાં પ્રથમ રાઉન્ડના અંતે કુલ 13384 બેઠકો ખાલી રહી, 5898 અરજદારોના પ્રવેશ કન્ફર્મ ન થયા

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
Right to Education


Right to Education : રાઈટ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધો.1માં વિના મુલ્યે પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડના અંતે હવે કુલ 13,384 બેઠકો ખાલી રહી છે. પ્રથમ રાઉન્ડમાં 86,274 બેઠકોમાં પ્રવેશ ફાળવાયો હતો. જેમાંથી 80,378 બેઠકોમાં વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. હવે આગામી થોડા દિવસમાં બીજો રાઉન્ડ શરૂ થશે.

આ વર્ષે 2,38,916 અરજીઓ ઓનલાઈન થઈ હતી

આરટીઈ હેઠળ આ વર્ષે ગુજરાતની 9741 ખાનગી સ્કૂલોમાં 25% પ્રમાણે કુલ 93,860 બેઠકો ઉપલબ્ધ થઈ હતી. જેની સામે આ વર્ષે 2,38,916 અરજીઓ ઓનલાઈન થઈ હતી. જેમાંથી સ્ક્રુટિનીને અંતે જીલ્લા લેવલે 1,75,685 અરજીઓ માન્ય થઈ હતી. જ્યારે 13,761 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી અને 49,470 અરજીઓ ડુપ્લિકેટ હોવા સહિતના કારણોને લીધે કેન્સલ થઈ હતી. 

સરકારે આ વર્ષે શહેરી અને ગ્રામીણ વિસ્તાર માટે આવક મર્યાદા વધારી 

સરકારે આ વર્ષે આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે 1.50 લાખથી વધારીને 6 લાખ અને ગ્રામ્ય માટે 1.20 લાખથી વધારી 6 લાખ કરી છે. આમ હવે સમાનપણે 6 લાખ આવક મર્યાદા કરી દેવાતા 45,000 જેટલી અરજીઓ વધી હતી. 

આરટીઈમાં અરજી પ્રક્રિયા બાદ વાલીઓની સ્કૂલ પસંદગી, કેકેટેગરી અને વિવિધ માપદંડો-મેરિટ્‌સના આધારે ગત 28મીએ 86,274 બેઠકોમાં પ્રવેશ ફાળવણી થઈ હતી.

જ્યારે 7586 બેઠકો વાલીની પસંદગીના અભાવે ખાલી રહી હતી. પ્રવેશ ફાળવણી બાદ વાલીઓને સ્કૂલ ખાતે રૂબરૂ જઈને ડોક્યુમેન્ટ જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરવા માટે 8મે સુધીનો સમય આપવામા આવ્યો હતો. કુલ 80,376 વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. 

આ પણ વાંચો: Ahmedabad : વિકસિત ગુજરાતમાં 5 વર્ષમાં 70 હજાર બાળકોના મોત, CRSના રિપોર્ટમાં સરકારની પોલ ખુલી

આવતીકાલે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવી શકે છે

જે પૂર્ણ થઈ ગયા બાદ હાલ હવે પ્રથમ રાઉન્ડને અંતે કુલ 13,384 બેઠકો ખાલી રહી છે. જેમાં અગાઉની 7586 અને પ્રવેશ કન્ફર્મ ન થતા ખાલી રહેલી 5898 બેઠકોનો સમાવેશ થાય છે. આ ખાલી પડેલી બેઠકોમાં સૌથી વઘુ ગુજરાતી માઘ્યમની બેઠકો છે. પ્રથમ રાઉન્ડ બાદ હવે આવતીકાલે બીજો રાઉન્ડ જાહેર કરવામા આવી શકે છે અને 15મી સુધીમાં બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

RTEમાં પ્રથમ રાઉન્ડના અંતે કુલ 13384 બેઠકો ખાલી રહી, 5898 અરજદારોના પ્રવેશ કન્ફર્મ ન થયા 2 - image

Tags :