વિકસિત ગુજરાતમાં 5 વર્ષમાં 70 હજાર બાળકોના મોત, CRSના રિપોર્ટમાં સરકારની પોલ ખુલી
Infant Mortality Rate Is High In Gujarat: આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરતાં વિકસીત ગુજરાતમાં શિશુ મૃત્યુદર વધુ છે. રાજ્યમાં સરકારી યોજનાઓના માધ્યમથી બાળમૃત્યુ દર ઘટાડવા માટે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યુ છે તેમ છતાંય ચોક્કસ પરિણામ મળી શક્યુ નથી. સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમના રિપોર્ટમાં એવો ખુલાસો કે, છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં 70 હજાર નવજાત શિશુઓ મોતને ભેટ્યાં છે. આંકડાઓ પરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે, રાજ્યમાં દર મહિને સરેરાશ એકાદ હજાર શિશુઓના મોત થઈ રહ્યાં છે.
શિશુ મૃત્યુદર ઓછો કરવા સરકારી યોજના અમલમાં પણ બધી બિનઅસરકારક
શિશુ મૃત્યુ અટકાવવા માટે મમતા અભિયાન, બાળ સખા યોજના, કુપોષણમુક્ત ગુજરાત અભિયાન, જનની સુરક્ષા અભિયાન સહિત અન્ય સરકારી યોજનાઓ અમલમાં છે. લાખો કરોડોનો ખર્ચ કરી સગર્ભા માતાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે તેમ છતાંય નવજાત શિશુઓનો મૃત્યુદર યથાવત રહ્યો છે.
સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા જાહેર કરાયલાં વર્ષ 2021ના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, વર્ષ 2021માં ગુજરાતમાં 11,815 શિશુઓના મૃત્યુ થયા હતાં. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2608 બાળના મોત થયા હતાં. આ ઉપરાંત સુરતમાં 1336, રાજકોટમાં 1185 અને વડોદરામાં 1073 બાળમૃત્યુ નોંધાયા છે. જો કે, શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં બાળ મૃત્યુદર ઓછો છે જેમ કે, મહિસાગર જિલ્લામાં 19 અને પાટણમાં 39 શિશુનો મોત થયા હતાં.
આધુનિક તબીબી સુવિધા ઉપરાંત સરકારી યોજનાનો અસરકારક અમલનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પ્રસુતાઓની સંભાળ, માતાનું સ્વાસ્થ્ય, રસીકરણ સહિત અન્ય બાબતોએ કાળજી લેવામાં આવી છે તેમ છતાંય ગુજરાતમાં દર મહિને સરેરાશ એક હજાર શિશુ મોતને ભેટી રહ્યાં છે. ચોંકાવનારી વાત તો એકે, નવજાત શિશુઓ જન્મ પછી એક વર્ષ પણ જીવિત રહેતાં નથી. ઘણાં શિશુઓ તો જન્મ પછી હોસ્પિટલમાં કાયમ માટે આંખો મીંચી લે છે. આમ નવજાત શિશુઓના મૃત્યુ દર ઘટાવવામાં સરકાર અસરકારક પરિણામ લાવી શકી નથી.
ગુજરાતમાં એક જ વર્ષમાં 2,82 લાખ વૃદ્ધોનું મૃત્યુ થયું
સીઆરએસના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 70 વર્ષથી વધુ વયના લોકોનું મૃત્યુનું પ્રમાણ વધુ રહ્યુ છે. વર્ષ 2021માં ગુજરાતમાં 65થી 69 વર્ષના વયના 82.281 લોકોના મોત નોંધાયા છે. જ્યારે 70થી વધુ વયના 2,82,653 વૃદ્ધોના મોત થયાં હતાં. અમદાવાદમાં જ 96,920 વૃદ્ધોના મૃત્યુ થયા હતાં. શહેરની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં વૃદ્ધોનું મૃત્યુ પ્રમાણ વધુ છે. વર્ષ 2021માં જ ગ્રામ્ય વિસ્તારમાં 41880 અને શહેરોમાં 40,401 વૃદ્ધોના મોત નોંધાયા હતાં.