રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ : નારણ કાછડિયાના આક્ષેપ
Corruption in Gujarat: ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવીને શહેર-ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પેરીસ થઈ જશે તેવી ડીંગો હાંકે છે. ત્યારે બીજી તરફ ભાજપના પૂર્વ સાંસદે રોડ રસ્તાના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો છે. પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે, 'એક રૂપિયાનો ખર્ચ દેખાડાય છે પણ કામ તો માત્ર 30 પૈસાનું જ થાય છે. આ પરથી કેટલી હદે ખાયકી કરવામાં આવી રહી છે તેનો અંદાજ આવી શકે તેમ છે. એક પછી એક ભાજપના સાંસદ, ધારાસભ્ય, નેતાઓ હવે ખુલીને સરકાર સામે નિવેદનબાજી કરતાં થયાં છે.'
ચોમાસાએ રસ્તાઓની પોલ ઉઘાડી કરી દીધી
ભારે વરસાદને કારણે આખાય રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ધોવાયા છે. રસ્તામાં ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એકથી બીજા સ્થળે જતાં આંખે પાણી આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. આ વખતે પણ ચોમાસાએ રસ્તાની કેટલી મજબૂતાઈ છે તેની પોલ ઉઘાડી કરી દીધી છે. અત્યારે ખાડાખૈયાવાળા રોડને લીધે જ સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે. આ કારણોસર સમારકામનો દેખાડો કરીને પ્રજાનો રોષ ઠારવા સરકારે ધમપછાડાં કર્યાં છે.
બીજી તરફ અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ ફરી એક વાર સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં રોડ રસ્તા બનાવવામાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટ રાજકારણીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગતને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં રસ્તાની એવી દુર્દશા થઈ છે કે, લોકો રેલવેની મુસાફરી કરવા મજબૂર થયાં છે. તેમણે ઉદાહરણ ટાંક્યું કે, અમરેલીથી સુરત જવું હોય તો 18 કલાક થાય છે.
અત્યાર સુધી ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં હતાં કે, કેન્દ્રમાં 1 રૂપિયો મોકલાય તો અરજદારને 20 પૈસાજ મળે છે. હવે ઘડિયાળના કાંટા ઉંધા ફર્યાં છે. ભાજપના સાંસદ ખુલ્લેઆમ કહેતાં થયાં છે કે, રોડ રસ્તા માટે એક રૂપિયો ખર્ચ દેખાડાય છે પણ વાસ્તવમાં 30 પૈસાનું જ કામ થાય છે. એટલે કે, 70 પૈસાની ખાયકી થઈ રહી છે. આમ, ભાજપના પૂર્વ સાંસદે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની પોલ ખુલ્લી પાડી છે.