પાટીદાર અનામત આંદોલન કેસ: હાર્દિક પટેલની મુશ્કેલી વધી, કોર્ટમાં હાજર ન થતાં બીજું ધરપકડ વોરન્ટ ઇશ્યુ
Hardik Patel News: પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સતત બીજીવાર હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું છે. કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
કોર્ટની કડક કાર્યવાહી
આ કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ વારંવાર કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા. અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ પણ કોર્ટે તેમની ગેરહાજરીને કારણે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. જોકે, તેમ છતાં તેઓ આજે (12 સપ્ટેમ્બર) કોર્ટમાં હાજર ન રહેતા, કોર્ટે કડક વલણ અપનાવીને ફરી એકવાર ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું છે. કોર્ટના આ આદેશ બાદ પોલીસ હવે હાર્દિક પટેલની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન સંબંધિત કેસોમાં હાર્દિક પટેલ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ થઈ ચૂક્યા છે. એક ધારાસભ્ય હોવા છતાં કાયદાકીય પ્રક્રિયામાં સતત ગેરહાજર રહેવું તેમના માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી કરી છે.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે આ કેસ વર્ષ 2018માં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, તે સમયે હાર્દિક પટેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાટીદારોને અનામત આપવાની અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઉપવાસની જાહેરાત કરી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં અપશબ્દો અને હાથાપાઇ થઇ હતી. આ ઘટનામાં હાર્દિક પટેલ, ગીત પટેલ અને કિરણ પટેલ સહિત કુલ ત્રણ લોકો સામે પોલીસ સાથે ગેરવર્તણૂક અને કાયદો-વ્યવસ્થાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.