Gujarat Death Statistics: ગુજરાતમાં એક વર્ષમાં 4,87,971 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, પ્રતિ કલાકે 56 જ્યારે પ્રતિ દિવસે સરેરાશ 1337 વ્યક્તિ કોઈને કોઈ કારણસર જીવ ગુમાવે છે. એટલું જ નહીં, શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. એક વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 2,49,706 અને શહેરમાંથી 2,38,265ના મોત થયા છે.
એક વર્ષમાં સૌથી વધુ વ્યક્તિના મૃત્યુ થયા હોય તેમાં અમદાવાદ મોખરે
મળતી માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2023માં 4.87 લાખ વ્યક્તિના મોત થયા હતા. જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી નોંધાયેલો સૌથી ઓછો મૃત્યુઆંક છે. આ અગાઉ 2020માં 5.23 લાખ, 2021માં 7.25 લાખ, 2022માં 4.88 લાખ વ્યક્તિના મૃત્યુ થયા હતા. કોવિડના વર્ષ 2020 અને 2021માં મૃત્યુઆંક અત્યારસુધી સંભવતઃ સૌથી વધુ પ્રમાણમાં નોંધાયો હતો.

એક વર્ષના આ સમયમાં 2,91,260 પુરુષો અને 1,91,779 મહિલાના અને 32 ટ્રાન્સજેન્ડર્સના મોત થયા હતા. આમ, મહિલા કરતાં પુરુષોમાં મૃત્યુનું પ્રમાણ 48 ટકા જેટલું વધારે છે. આ સ્થિતિએ એક વર્ષમાં મૃત્યુ પામેલા પ્રતિ 100માંથી 60 પુરુષો હોય છે.

જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદમાંથી સૌથી વધુ 67095, સુરતમાંથી 44452 અને વડોદરામાંથી 33 હજાર વ્યક્તિના મૃત્યુ થયા છે. વર્ષ 2019થી 2023 દરમિયાન મૃત્યુ થયું હોય તેમાં 147 ટ્રાન્સજેન્ડર્સનો સમાવેશ થાય છે. શહેરમાં 117 અને ગ્રામ્યમાં 30 જેટલા ટ્રાન્સજેન્ડર્સના મોત થયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: બગોદરા-વટામણ હાઈવે પર દંપતી લૂંટાયા, કાર, મોબાઈલ અને રોકડ ઝૂંટવી લૂંટારૂઓ ફરાર
ગુજરાતમાં એક વર્ષમાં 4.88 લાખ મૃત્યુ જ્યારે 11.26 લાખ બાળકોના જન્મ થયા છે. 365 દિવસમાં 5,25,600 મિનિટ હોય છે અને તે હિસાબે પ્રતિ મિનિટે સરેરાશ બે બાળકો ગુજરાતમમાં જન્મે છે. એક વર્ષમાં સૌથી વધુ મૃત્યુ અને જન્મને મામલે અમદાવાદ જિલ્લો મોખરે છે. અમદાવાદમાંથી એક વર્ષમાં 65410ના મૃત્યુ, જ્યારે 1.24 લાખ બાળકોનો જન્મ થયો છે.
સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા વર્ષ 2022માં જન્મેલા અને મૃત્યુ પામેલાની નોંધણીને આધારે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેના પ્રમાણે ગુજરાતમાં એક વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં 1.59 લાખ બાળક, 1.49 લાખ બાળકીઓ એમ કુલ 3.08 લાખ, જ્યારે શહેરીમાં 4.30 લાખ બાળક, 3.87 લાખ બાળકી એમ કુલ 8.17 લાખ બાળકોનો જન્મ થયો છે. આમ, દીકરીઓ કરતાં દિકરાઓના જન્મનું પ્રમાણ ઘણું ઓછું છે. આ ઉપરાંત ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારમાં બાળકોના જન્મનું પ્રમાણ વધારે છે.


