ગુજરાતમાં બેફામ ડમ્પર ચાલકોનો આતંક, રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત
Rajkot Accident: ગુજરાતમાં બેફામ ડમ્પર ચાલકોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરોમાં ડમ્પર ચાલકો અને અન્ય મોટા વાહનો પર ટ્રાફિક પોલીસનો જાણે કોઈ જ કંટ્રોલ રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રાજકોટમાં ડમ્પરચાલકો બેફામ બન્યા હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. ચોટીલા દર્શન કરવા જઈ રહેલા એક પરિવારની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડમ્પરચાલક બેફામ ગતિએ વાહન હંકારી 42 વર્ષીય શીતલબેન ભોજકનો ભોગ લીધો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે કારને જોરદાર ટક્કર મારતા શીતલબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે જ્યારે પરિવારના અન્ય સભ્યોને નાનીમોટી ઇજા પહોંચી હતી. ચોટીલા દર્શન કરવા જઇ રહેલા પરિવારને અકસ્માત નડતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. અકસ્માત એટલો ભયાવહ હતો કે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: રાજકોટના હનુમાન મઢી ચોક નજીક કોલેજિયન યુવતીને ડમ્પરે અડફેટે લેતા મોત, પરિજનોમાં આક્રંદ
આ ઘટના બાદ ફરી એકવાર મોટા વાહનો દ્વારા થતા અકસ્માતો અને તેના પર નિયંત્રણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે પોલીસે આવા મોટા વાહનો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહીઓ કરવી જોઈએ અને ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવું જોઈએ, જેથી આવા અકસ્માતોને રોકી શકાય અને નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય.
અઠવાડિયા પહેલાં રાજકોટમાં કોલેજિયન યુવતીને ડમ્પરે અડફેટે લેતા મોત
રાજકોટ શહેરમાં હનુમાન મઢી ચોક નજીક 16 જુલાઇએ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકે એક કોલેજિયન યુવતીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવતીનું નામ જુહી નડિયાપરા હતી. જુહી નડિયાપરા પોતાની બહેનપણી સાથે કોલેજ જવા નીકળી હતી. થોડી જ વાર પહેલાં તેના પિતા તેને હનુમાન મઢી ચોક નજીક મૂકીને ગયા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર (નંબર: GJ.36.T.0197) ના ચાલકે જુહીને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.