રાજકોટના હનુમાન મઢી ચોક નજીક કોલેજિયન યુવતીને ડમ્પરે અડફેટે લેતા મોત, પરિજનોમાં આક્રંદ
Rajkot Accident News: રાજકોટ શહેરમાં હનુમાન મઢી ચોક નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકે એક કોલેજિયન યુવતીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવતીનું નામ જુહી નડિયાપરા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, જુહી નડિયાપરા પોતાની બહેનપણી સાથે કોલેજ જવા નીકળી હતી. થોડી જ વાર પહેલાં તેના પિતા તેને હનુમાન મઢી ચોક નજીક મૂકીને ગયા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર (નંબર: GJ.36.T.0197) ના ચાલકે જુહીને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ જુહીને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે આક્રંદ જોવા મળ્યો હતો.
અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે શહેરમાં ટ્રાફિક સુરક્ષા અને બેફામ વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.