ગુજરાતમાં સસ્તાં અનાજની 17 હજાર દુકાનો બંધ: બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે મંત્રણા નિષ્ફળ

Gujarat News: છેલ્લાં ઘણાં સમયથી પડતર માંગણીઓ ન ઉકેલાતાં વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર વિરૂદ્ધ અસહકાર આંદોલન શરૂ કર્યુ છે, જેના ભાગરુપે 17 હજાર દુકાનો સજ્જડ બંધ કરી છે.
અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહેશે
દુકાનદારોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી સરકાર લેખિત ખાતરી નહીં આપે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહેશે. અગાઉ પણ સરકારે કોણીએ ગોળ ચોંટાડ્યો હતો, જેના કારણે હવે દુકાનદારોને સરકારના વાયદા વચન પર વિશ્વાસ રહ્યો નથી. ગુજરાત સરકારે દાવો કર્યો છે કે, વ્યાજબી ભાવની દુકાનદારોની 11 માંગ સ્વિકારી લેવામાં આવી છે. એટલું જ નહીં, દુકાનદારોને તાત્કાલિક અનાજ વિતરણ કરવા અનુરોધ કરાયો છે. જો કે, સરકારના આદેશ છતાંય રાજ્યની વ્યાજબી ભાવના દુકાનદારો ટસથી મસ થવા તૈયાર નથી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ફ્રોડના 1.42 લાખ ફોન કોલ! 72 હજાર લોકોના રૂ.678 કરોડ ચાંઉ
દુકાનદારો સરકાર સાથે આરપારની લડાઇ લડવાના મૂડમાં
આ તરફ, ગુજરાત ફર પ્રાઇઝ શોપ એસોસિએશને સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી અન્ન પુરવઠા વિભાગ કે સરકાર લેખિતમાં બાંહેધરી નહીં આપે, ત્યાં સુધી આ હડતાળ સમેટવામાં આવશે નહીં તેનું કારણ એ છે કે, ભૂતકાળમાં પણ મૌખિક વચન આપ્યા પછી સરકાર તેનો કોઈ અમલ કરતી નથી, આંદોલન યથાવત જ રહેશે. રાજ્યમાં લાખો રેશનકાર્ડ ધારકોને અસુવિધા ઊભી થશે તે માટે સરકાર અને પુરવઠા વિભાગ જવાબદાર છે. આમ વખતે દુકાનદારો સરકાર સાથે આરપારની લડાઇ લડવાના મૂડમાં છે.
નવાઈની વાત છે કે, અચોક્કસ મુદતની હડતાળ હોવા છતાંય અન્ન પુરવઠા વિભાગે દુકાનદારોના પ્રતિનિધિમંડળ સાથે વાટાઘાટો થઈ હતી જે નિષ્ફળ ગઈ હતી અને બેઠકમાં અધિકારીઓ અને પ્રતિનિધિ મંડળના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

