સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી, 55% સુધી ભરાયો, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ
Image: IANS |
Sardar Sarovar Dam Water Level: ગુજરાતમાં આ વખતે ચોમાસાની શરુઆતથી જ સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે પાણીની પણ સારી એવી આવક થઈ રહી છે. સારા વરસાદના કારણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. આ સિવાય ઉપરવાસમાં 68,786 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક થતાં RBPHના 3 અને CHPHનું 1 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક
મળતી માહિતી મુજબ, સારા વરસાદના કારણે નર્મદા નદીના સરદાર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સારી એવી આવક થઈ છે. હાલ, ઉપરવાસમાં પાણીની આવક 68786 ક્યુકેસ નોંધાઈ છે. નર્મદા ડેમની સપાટી પણ 121.40 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ અત્યાર સુધીમાં 55 ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેનની જમીન મામલે ગુજરાત સરકારના 'જોઈ લઇશું' જવાબથી દિલ્હીના અધિકારીઓ નિરાશ
રાજ્યભરના ડેમની શું છે સ્થિતિ?
નોંધનીય છે કે, રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા સામે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37% પાણી ભરાયેલું છે. કુલ 206 ડેમો પૈકી, 26 ડેમો 100% ભરાયેલા છે, જ્યારે 58 ડેમો 70%થી 100% વચ્ચે ભરાયેલા છે. 40 ડેમો 50%થી 70% વચ્ચે ભરાયા છે, અને 42 ડેમો 25%થી 50% વચ્ચે ભરાયેલા છે. હાલમાં 40 ડેમો 25%થી નીચે ભરાયેલા છે. રાજ્યના 40 ડેમો હાઇ ઍલર્ટ પર છે, 24 ડેમો ઍલર્ટ મોડ પર છે, અને 20 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે.