Get The App

ગુજરાત યુનિ.ના સૌથી વધુ ડિમાન્ડિંગ બે કોર્સની ફીમાં 15 હજાર રૂપિયાનો વધારો, સ્ટુડન્ટ્સને ઝટકો

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત યુનિ.ના સૌથી વધુ ડિમાન્ડિંગ બે કોર્સની ફીમાં 15 હજાર રૂપિયાનો વધારો, સ્ટુડન્ટ્સને ઝટકો 1 - image


Gujarat University: ગુજરાત યુનિવર્સિટીના સૌથી વધુ ડિમાન્ડિંગ એવા ઈન્ટિગ્રેટેડ કોર્સીસ એમબીએ અને એમએસસી આઈટીમાં આ વર્ષે 50 ટકા ફી વધારો કરવામા આવ્યો છે. સ્ટાફનો પગાર નીકળતો ન હોય અને છેલ્લા 14 વર્ષથી ફી વધારો થયો ન હોવાથી યુનિવર્સિટી દ્વારા ફી વધારો કરવામા આવ્યો છે. પરંતુ ફી વધારાની અગાઉથી કોઈ જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરાઈ ન હતી કે ફી વધારાને લઈને ઈસી કે બોર્ડ મીટિંગમાં કોઈ નિર્ણય લેવાયો હતો કે નહીં તે પણ પ્રશ્ન છે.

ગુજરાત યુનિવર્સિટીના સૌથી વધુ બે ડિમાન્ડિંગ કોર્સ

ગુજરાત યુનિવર્સિટીના કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગમાં વર્ષોથી ઈન્ટિગ્રેટેડ એમબીએ અને ઈન્ટિગ્રેટેડ એમએસસીઆઈટી કોર્સ ચાલે છે. ધોરણ 12ના કોમર્સ-સાયન્સના તમામ વિદ્યાર્થીઓ કોર્સીસમાં પ્રવેશ લઈ શકે છે અને આ કોર્સીસ ગ્રાન્ટેડઈન ધોરણે ચાલતા હોય ઓછી ફીને લીધે તેમજ સારા પ્લેસમેન્ટને લીધે ખૂબ જ ડિમાન્ડિંગ છે. આ ઉપરાંત કોર્સીસમાં પ્રવેશ માટે ધોરણ 12ના 80થી 85 ટકા જરૂરી હોય છે. આ કોર્સીસમાં અત્યાર સુધી સેમેસ્ટર દીઠ 9500 રૂપિયા ફી હતી, એટલે કે વાર્ષિક 19 હજાર ફી હતી, પરંતુ આ વર્ષે એકાએક ફી વધારો કરી દેવાયો છે. હવે સત્ર દીઠ ફી વધારીને 14, 750 રૂપિયા અને વાર્ષિક 29, 500 રૂપિયા ફી કરાઈ છે. જેમાં પરીક્ષા સહિતના તમામ ખર્ચ હોય છે.

આ પણ વાંચો: ચૂંટાયા ખરા પણ ગ્રાન્ટનું શું? મનપાના કોર્પોરેટરોના ગાંધીનગરથી તેડું આવ્યા બાદ ક્લાસ લેવાયા

છેલ્લે વર્ષ 2011માં ફી વધારાઈ હતી ત્યારે 14 વર્ષથી ફી વધી ન હોઈ ખાનગી યુનિવર્સિટીઓની સરખામણીએ ઈન્ટિગ્રેટેડ લેવલના આ કોર્સીસમાં હવે 14 વર્ષે ફી વધારો થાય તે જરૂરી છે. પરંતુ એક સાથે 50 ટકાનો ફી વધારો કરી દેવાતા વિદ્યાર્થીઓ માથે બોજ વધશે. યુનિવર્સિટીના તંત્રનો દાવો છે કે, સારા વિઝિટિંગ ફેકલ્ટીથી માંડી સ્ટાફનો પગાર પણ જૂની ફીમાં નીકળતો ન હોય અને પગાર કરવા માટે વિભાગે લોન લેવી પડતી હોઈ ફી વધારો થયો છે.

યુનિવર્સિટી દ્વારા બંધ બારણે ફી વધારો કરી દેવાયો હોવાની ફરિયાદ ઊઠી છે. કારણ કે યુનિવર્સિટી દ્વારા ફી વધારા માટે કોઈ પણ અગાઉથી જાહેરાત થઈ ન હતી. આ બંને કોર્સમાં ડિમાન્ડને પગલે 90-90 ટકા બેઠકો વધારા માટે જાહેરાત થઈ હતી. ફી વધારા માટે કોઈ જાહેરાત થઈ ન હતી. જ્યારે એનએસયુઆઈની ફરિયાદ છે કે બેઠક વધારા માટે જીકાસની સાઈટ પર સ્પષ્ટતા નથી.

Tags :