ગુજરાતમાં વરસાદી માહોલ: છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડામાં 4.92 ઇંચ
Rain In Gujarat: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને રાજ્યમાં વરસાદી સિસ્ટમ બની છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા 4.92 ઇંચ વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરમાં 3.23 ઇંચ, બોડેલીમાં 2.99 ઇંચ, જાંબુઘોડામાં 2.56 ઇંચ, જેતપુર પાવીમાં 2.24 ઇંચ, સોનગઢમાં 2.24 ઇંચ, ગરબાડામાં 2.20 ઇંચ, ડોલવણમાં 2.05 ઇંચ અને સુરતમાં 1.97 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 34 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (29મી જુલાઈ) વરસાદનું જોર ઓછું થતું દેખાઈ રહ્યું છે. આજે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરુચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આજે ગુજરાતમાં ક્યાંય પણ અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી નથી. નોંધનીય છે કે, આગામી 30 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જોકે, હવામાન વિભાગે ત્રીજી ઑગસ્ટ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
સાબરમતી નદીમાં પાણી છોડાયું
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ છે. વરસાદી પાણીની આવક વધતાં સંત સરોવરમાંથી 10,400 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને લઈને તંત્રએ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે ન જવા માટે સૂચના આપી છે.