કટુડા નજીક મોરબી બ્રાંચ કેનાલના દરવાજા ગેરકાદે ખોલતા લાખો ગેલન પાણીનો વેડફાટ

40 થી વધુ ગામોમાં સિંચાઈ માટે પાણીની અછત વચ્ચે
કટુડા આગળના ગામોના ખેડૂતોને પિયતનું પાણી નહીં મળતા સિક્યુરિટી સાથે મળીને કેનાલના દરવાજા ખોલ્યા હોવાની આશંકા- તપાસ શરૃ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરની ધોળીધજા ડેમમાંથી મોરબી તરફ જતી મુખ્ય નર્મદા કેનાલના કટુડા નજીક ગેરકાયદે દરવાજા ગત રાત્રિ દરમિયાન અસામજિક તત્વોએ ખોલી નાખતાં લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે. ખેતરો તરફના માર્ગો પર ઢીંચણ સમાણા પાણી ભરાઈ જતાં રવિ પાકનું વાવેતર અટકી ગયું છે અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલના ગેટ રાત્રિ દરમિયાન ખોલી નાખવામાં આવતા હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા લાંબા સમયથી તંત્રને કરવામાં આવી રહી છે, છતાં કોઈ પગલાં લેવાયા નથી. ગત રાત્રે કટુડા ગામ નજીક મૂકવામાં આવેલા ઇમર્જન્સી ગેટ અજાણ્યા શખ્સોે દ્વારા ખોલી નાખવામાં આવતાં કલાકો સુધી પાણી વહી ગયું હતું, જેનાથી લાખો ગેલન પાણીનો ભરશિયાળે વેડફાટ થયો છે.
આ પાણી ખેતરોમાં જવાના માર્ગો ઉપર ફરી વળ્યું છે, જેના કારણે ઢીંચણ સમાણા પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને લીધે ખેડૂતો પોતાના ખેતરોમાં વાવેતર કે દવા છંટકાવ માટે જઈ શકતા નથી. એટલું જ નહીં, સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોના બાળકો પણ શાળાએ જઈ શક્યા નહોતા. પાણી ફેલાઈ જવાથી અને પાળા તૂટી જવાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. બીજી તરફ, મૂળી, વઢવાણ, ધ્રાંગધ્રા સહિત ૪૦થી વધુ ગામોના લોકોને સિંચાઈ અને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.
આ ગંભીર ઘટનાને પગલે કોન્ટ્રાક્ટરે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને ગેરકાયદેસર ગેટ ખોલનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, મુખ્ય કેનાલના ગેટ પર ૨૪ કલાક સિક્યુરિટી હોવા છતાં આ ઘટના બનતા સિક્યુરિટીની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. આગળના ગામોના ખેડૂતોને પિયતનું પાણી ન મળતું હોવાથી સિક્યુરિટી સાથે મળીને આવું કૃત્ય થયું હોવાની શંકાની દિશામાં પણ તપાસ શરૃ કરાઈ છે.

