ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતીઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા

Pregnant Women Aids Cases Rise: ગુજરાતમાં હ્યુમન ઈમ્યુનોડેફિસિએન્સી વાઇરસ (એચઆઇવી) વાઇરસથી સંક્રમિત એક્વાયર્ડ ઈમ્યુનોડેફિસિએન્સી સિન્ડ્રોમ (એઇડ્સ)ના 90 હજાર દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા પાંચ વર્ષમાં 74.72 લાખ ગર્ભવતી મહિલાઓના એચઆઇવી ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 2473 મહિલાઓ એઇડ્સ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.
ગુજરાતમાં પાંચ વર્ષમાં 2473 ગર્ભવતી મહિલાઓને એઇડ્સ : ચિંતાજનક વધારો
વિશ્વના તમામ લોકોમાં એચઆઇવી-એઇડ્સ વિશે જાગૃતિ આવે તે હેતુસર 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન' દ્વારા દર વર્ષે 1 ડિસેમ્બરની ઉજવણી 'વિશ્વ એઇડ્સ દિવસ' તરીકે કરવામાં આવે છે. આજના આઘુનિક યુગમાં એચઆઇવી ક્રોનિક મેનેજેબલ ડિસિઝ એટલે કે નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ છે. દરેક એચઆઇવી પોઝિટિવ વ્યક્તિ નિયમિત દવા લઈને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને કુદરતી આયુષ્ય મુજબ જીવન જીવી શકે છે.

ગુજરાતમાં એઇડ્સનું પ્રમાણ 0.18 ટકા નોંધાયું
ગુજરાતમાં પાંચ વર્ષમાં 2473 ગર્ભવતી મહિલાઓ એઇડ્સ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ગર્ભવતી મહિલાઓ એચઆઇવી પોઝિટિવ હોય તો તેમના સંતાનમાં તેનું સંક્રમણ થાય નહીં તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં એઇડ્સનો પ્રિવેલન્સ રેટ 0.20 ટકા અને ગુજરાતમાં 0.18 ટકા છે.
એઇડ્સના કેસને મામલે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર હાઇ પ્રાયોરિટી હેઠળ
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર એમ 6 જિલ્લાને હાઇ પ્રાયોરિટી હેઠળ મૂકવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં 261 આઇ.સી.ટી.સી. અને 2466 એફ.આઇ.સી.ટી.સી.માં એચઆઇવીની નિઃશુલ્ક પરામર્શ અને તપાસની સુવિધા ઉપલબ્ધ છે. ગુજરાતમાં 88 એન.જી.ઓ. દ્વારા સમગ્ર રાજ્યની જોખમી જાતિય વર્તણૂક ધરાવતી વ્યક્તિઓને કાઉન્સિલિંગ, કોન્ડોમ વિતરણ, વર્તન પરિવર્તનનું સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ભારતમાં એઇડ્સના 26 લાખથી વઘુ દર્દી
વિશ્વમાં એચઆઇવીનો પ્રથમ કેસ વર્ષ 1981માં અમેરિકાના કેલિફોર્નિયામાં દેખાયો હતો. ભારતમાં પ્રથમ કેસ વર્ષ 1986માં ચેન્નાઇ તેમજ ગુજરાતના સુરત ખાતે નોંધાયો હતો. વિશ્વમાં અંદાજિત 3.99 કરોડ, ભારતમાં અંદાજિત 25.44 લાખ લોકો એચઆઇવી સંક્રમણ સાથે જીવન જીવી રહ્યા છે.

આ રીતે એઇડ્સ ફેલાતો નથી
એક જ કાર્યસ્થળો પર સાથે કાર્ય કરવાથી, એક જ સ્વિમીંગ પુલનો ઉપયોગ કરવાથી, સાથે બેસીને ભોજન લેવાથી, એકબીજાના કપડા પહેરવાથી, મચ્છર કરડવાથી, એક જ ઘરમાં સાથે રહેવાથી, ભેટવાથી, હાથ મિલાવવાથી કે સ્પર્શ કરવાથી ફેલાતો નથી.
આ પણ વાંચો: ક્રિસમસ પહેલાં જ અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 18000 પહોંચ્યું, 4થી 5 ગણો વધારો
એઇડ્સ કઇ કારણોથી થઇ શકે?
અસુરક્ષિત યૌન સંબંધ(નિરોધ વિના જાતીય સંબંધ). તપાસ કરવામાં આવ્યું ન હોય તેવું અસુરક્ષિત રક્ત ચડાવવાથી. અસુરક્ષિત સોય-સીરીંજનો ઉપયોગ કરવાથી. એચઆઇવી સંક્રમિત સગર્ભા માતા દ્વારા તેના આવનાર બાળક.

