ક્રિસમસ પહેલાં જ અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 18000 પહોંચ્યું, 4થી 5 ગણો વધારો

Ahmedabad Goa One Way Airfare: ક્રિસમસ-ન્યૂ યરની ઉજવણી માટે ગોવા જવાનું આયોજન કરી રહ્યા હશો તો સામાન્ય દિવસોની સરખામણીએ ખૂબ જ એરફેર ચૂકવવું પડશે. કેમકે, અમદાવાદ-ગોવાનું મહત્તમ એરફેર રૂપિયા 18 હજાર થઇ ગયું છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર રૂપિયા 3700થી 4000 આસપાસ હોય છે.
ક્રિસમસ વેકેશનમાં ગોવાના વન-વે એરફેરમાં 4થી 5 ગણો વધારો
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગોવામાં ક્રિસમસ વેકેશન માટે દિવાળી બાદથી જ ઈન્ક્વાયરી વધી ગઈ છે. આ તકનો લાભ લઈને એરલાઈન્સે એરફેરમાં તોતિંગ વધારો કરી દીધો છે. જાણકારોના મતે, ઘણી એરલાઇન્સ કે એજન્ટ આ પ્રકારની સિઝનમાં ટિકિટ પોતાની પાસે રાખી લેતા હોય છે. ડિમાન્ડ વધે તેમ વધુ ભાવ સાથે તેનું વેચાણ કરે છે.
આ પણ વાંચો: હિંડોરડાથી જુની બારપટોળીના પાટીયા સુધીનો માર્ગ બિસ્માર
હોટેલ-રિસોર્ટના ભાવમાં પણ વધારો
એરફેર ઉપરાંત ગોવાની હોટેલ-રિસોર્ટના ભાવમાં પણ તબક્કાવાર વધારો થઈ રહ્યો છે. ગોવા ઉપરાંત દુબઈ, થાઈલેન્ડ, વિયેતનામ પણ ક્રિસમસ વેકેશનમાં અનેક લોકોની પસંદ છે. જેમાં અમદાવાદ-દુબઈનું મહત્તમ વન-વે એરફેર રૂ. 27,000 થઈ ગયું છે. આ એરફેર પણ ક્રિસમસ વેકેશન સુધીમાં 30,000 સુધી પહોંચી જાય તેવી પૂરી સંભાવના છે.


