| (AI IMAGE) |
Air Pollution in Gujarat: શિયાળાની સાથે જ પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ છેલ્લા ઘણા દિવસથી 200ને પાર નોંધાય છે. પ્રદૂષણની અસરને પગલે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં એક જ વર્ષમાં શ્વાસની સમસ્યા ધરાવતા 1.29 લાખથી વઘુ ઈમરજન્સી કોલ્સ નોંધાયાનું સામે આવ્યું છે.
દર કલાકે 15 નવા કેસ: વર્ષ 2025માં શ્વાસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2025માં શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ 361 અને પ્રતિ કલાકના 15 જેટલા કેસ નોંધાયા છે. ઈમરજન્સી સેવા '108' પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2023માં શ્વાસની સમસ્યાના 91 હજાર જેટલા કોલ્સ નોંધાયા હતા. આ સ્થિતિએ 2023 કરતાં 2025માં શ્વાસની સમસ્યાના દર્દીમાં 40 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2025માં શ્વાસની સમસ્યાના સૌથી વઘુ કોલ્સ નોંધાયા હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં 31,162 જેટલા દર્દી નોંધાયા હતા.
આ પણ વાંચો: AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ
ગંભીર બીમારીનો ખતરો
આંશિક રાહતની વાત એ છે કે, 2024ની સરખામણીએ 2025માં શ્વાસની સમસ્યાના ઈમરજન્સી કોલ્સમાં આંશિક ઘટાડો નોંધાયો છે. વર્ષ 2025માં શ્વાસની સમસ્યાના સૌથી વઘુ ઈમરજન્સી કોલ્સમાં સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે. નિષ્ણાતોના મતે શ્વાસની સમસ્યા ધરાવતા પ્રત્યેક વ્યક્તિએ હાલ બહાર નીકળવાનું થાય ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે. બદલાયેલી જીવનશૈલી, ઘરની અંદર અને બહાર દૂષિત થતી હવાને કારણે શ્વાસ સંબંધી ગંભીર શ્વસન રોગ થઈ રહ્યા છે. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી રોગ એટલે કે સીઓપીડી તેમાં સૌથી ગંભીર છે. આપણા દેશમાં સીઓપીડી એક એવી બીમારી છે જે 30 વર્ષની ઉંમર પછી શરૂ થઈ જાય છે. આ બીમારી લગભગ 15 વર્ષ સુધી ધૂમ્રપાન કરનારા અથવા આટલા જ સમય સુધી બાયોમાસ ઈંધણોના સંપર્કમાં રહેવાથી થાય છે.



