ગુજરાતમાં LRD ભરતી માટે 15 જૂને લેખિત પરીક્ષા, 825 કેન્દ્ર પર 2.47 લાખથી વધુ ઉમેદવારો આપશે ટેસ્ટ
Gujarat Police Bharti Exam : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 12472 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર (PSI)ની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ 13 એપ્રિલ, 2025ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે હવે લોકરક્ષક કેડરની 12 હજાર જગ્યા પરની ભરતી માટે આગામી 15 જૂન 2025ના રોજ 2.47 લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે.
રાજ્યના 825 પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોની કસોટી
રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની 12000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ભરતીની શારીરિક કસોટી પૂર્ણ કર્યા બાદ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 15 જૂને યોજાવાની છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર-શાળા ખાતે પરીક્ષા યોજાશે.
26 હજારથી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગની અધિકારીને સોંપી જવાબદારી
પરીક્ષાને લઈને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં પરીક્ષા કેન્દ્ર ખાતે CCTV હેઠળ દેખરેખ, 8000થી વધુ પોલીસ અધિકારીઓ તથા 18000 શિક્ષણ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ પરીક્ષા ત્રણ કલાકની રહેશે, જેમાં સવારના 9:30 થી 12:30 દરમિયાન લેવાશે. પરીક્ષા પહેલા ઉમેદવારોનું બાયોમેટ્રીક/ફોટોગ્રાફ વેરિફિકેશન કરવાનું હોવાથી કોલલેટરમાં ઉમેદવારોને 7:30 વાગ્યે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત, શારીરિક કસોટી દરમિયાન લેવામાં આવેલી બાયોમેટ્રિક માહિતી લેખિત પરીક્ષા પહેલા ચકાસવામાં આવશે. આ પરીક્ષા IGP, DIGP અને SP કક્ષાના અધિકારીઓની સૂપરવિઝન હેઠળ યોજાશે. જેમાં ઉમેદવારો પર CCTV અને GPS ટેક્નોલોજી દ્વારા નિરીક્ષણ રાખવામાં આવશે.
પરીક્ષાને લઈને GSRTCની ખાસ વ્યવસ્થા
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના કુલ 7 મુખ્ય શહેરોમાં પરીક્ષા થવાની છે, ત્યારે ઉમેદવારોને સરળ પ્રવાસ સુવિધા પૂરી પાડવા માટે GSRTC દ્વારા 14 અને 15 જૂનના દિવસોમાં વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા કેન્દ્રની નજીકના ડેપોમાં પહોંચવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. પરિવહન નિગમે દરેક ડેપો ખાતેથી અલગ ફાળવવામાં આવેલી બસ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે. ઉમેદવારો http://gsrtc.in વેબસાઇટ પરથી ઍડ્વાન્સમાં ટિકિટ બુક કરી શકશે અથવા પોતાના નજીકના ડેપો ખાતે કાઉન્ટર બુકિંગ દ્વારા સર્વિસનો લાભ લઈ શકશે. વધુ માહિતી કે પ્રશ્નો માટે GSRTCનો ટોલ ફ્રી નંબર 1800 233 666666, 24x7 ઉપલબ્ધ રહેશે.