Gujarat Police Arrests Absconding Accused : ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 26મી નવેમ્બરથી 'ઓપરેશન કારાવાસ' શરૂ કર્યું છે. ઓપરેશન અંગે માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસમાં પોલીસે આશરે 41 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તે પૈકી 15 જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. આ ઉપરાંત 25 આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે.
પેરોલ-જામીન પર છૂટી જેલમાં પરત ન ફરનારા આરોપીઓ સામે તવાઈ
પોલીસની માહિતી મુજબ, ઓપરેશન કારાવાસ અંતર્ગત પકડાયેલા આ તમામ આરોપીઓ હત્યા, દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા અને આજીવન કેદની સજા થયા બાદ જામીન કે પેરોલ પર છૂટીને જેલમાં પરત ન ફર્યા હતા. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ખૂબ લાંબા સમયથી ફરાર આરોપીને આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય કોઓર્ડિનિશન સ્થાપિત કરીને ઝડપી પાડ્યા છે.
રાજ્યના પોલીસ વડાએ કાયદાથી દૂર રહેલા અન્ય આરોપીઓને વહેલી તકે પકડવા માટે આ કાર્યવાહી હજી પણ ચાલુ રાખવામાં આવશે. રાજ્ય પોલીસ વડાએ ઓપરેશન કારાવાસ અંતર્ગત જે આરોપીઓ પેરોલ પરથી પરત ન આવ્યા હોય તેવા આરોપીને પકડવા માટે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષકને સૂચનાઓ આપી છે.


