ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યા 'શૂન્ય' હોય તેવી શાળા તાત્કાલિક બંધ કરવા આદેશ, આભાસી સંખ્યા દર્શાવનારા વિરૂદ્ધ લેવાશે પગલાં
Gujarat Government School: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર (DPEO) અને કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં કડક આદેશ કરવામાં આવ્યો છે કે, જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીની સંખ્યા શૂન્ય હોય તેવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાની રહેશે. જો શાળા બંધ કરવામાં નહીં આવે તો આ મામલે સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) અને DPEO સહિતના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓની સંખ્યા 'શૂન્ય' હોય તેવી શાળા તાત્કાલિક બંધ કરવા આદેશ
રાજ્યની સરકારી અને કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયા બાદ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ DPEO-શાસનાધિકારીઓને સૂચના આપવામા આવી છે. જેમાં 31 જુલાઈની કટ ઑફ ડેટ મુજબ શાળામાં દાખલ થયેલા તમામ બાળકોની વિગતો સીટીએસ પોર્ટલ પર અપલોડ કરવા સહિત એસએએસ પોર્ટલ અને ટીચર પોર્ટલ પર વિદ્યાર્થીઓ-શિક્ષકોની વિગતો પણ અપડેટ કરવા જણાવ્યું છે. આ સાથે ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓની સંખ્યા, તેમજ બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઉમેરવાની રહેશે.
આ ઉપરાંત, દિવ્યાંગ બાળકોની માહિતી પણ અલગથી ભરવાની રહેશે. જેમાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા બાળકોને જ અને યુડીઆઈડી પોર્ટલ પર નોંધાયેલ બાળકોની માહિતી તૈયાર કરી પોર્ટલમાં ભરવાની રહેશે.
ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યા 'શૂન્ય' હોય તેવી શાળા તાત્કાલિક બંધ કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે, ત્યારે શાળામાં એક કે બે વિદ્યાર્થી હોવાના કારણે આભાસી સંખ્યા દર્શાવી એટલે કે ખોટી સંખ્યા બતાવીને વધારાના શિક્ષક મેળવવા કે મહેકમ જાળવવાનું જણાશે તો આવી સ્કૂલોની વિગતો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાતે જ ચકાસણી કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.