વાલીઓ માટે અગત્યના સમાચાર: ગુજરાતની પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ
Meta AI Image |
Gujarat Education : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સરળ અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા શાળા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરવામાં આવી. જેના હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રી-પ્રાઇમરી શાળાઓ માટેના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જેમાં બાળકોને સિનિયર, જુનિયર, બાલવાટિકા સહિતની વયમર્યાદાને લઈને નવા નિયમો લાગુ કરાયા છે.
જુનિયર-સિનિયર અને બાલવાટિકામાં વયમર્યાદા બદલાઈ
રાજ્યના શિક્ષણ વિભાગ મુજબ, જુનિયર, સિનિયર અને બાલવાટિકમાં બાળકોના પ્રવેશ માટે વયમર્યાદામાં ફેરફાર કરાયો છે. જેમાં 4 વર્ષ પૂર્ણ ન કરેલા બાળકને જુનિયર કે.જી.માં, 4 વર્ષ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સિનિયર કે.જી.માં અને 5 વર્ષ પૂર્ણ થાય હોય, પણ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે.
શિક્ષણ વિભાગના નવા નિયમો અનુસાર, સંસ્થાએ શૈક્ષણિક વર્ષની શરુઆતમાં વાલી શિક્ષણ મંડળ(પેરેન્ટ્સ ટીચર ઍસોસિએશન-PTA)ની રચના કરવી જોઈએ. જેમાં 12 સભ્યો રહેશે. જેમાં ઓછામાં ઓછા 75 ટકા માતાપિતા અને શિક્ષકો રહેશે. આ પછી ત્રિમાસિક ગાળામાં મિટિંગ યોજવી અને તેનો રિપોર્ટ તૈયાર કરવાનો થશે.
શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ, ગુજરાતમાં આવેલી હયાત તથા નવી શરુ કરવામાં આવનાર તમામ બિન અનુદાનિત પૂર્વ-પ્રાથમિક સંસ્થા (Private Pre-primary school)એ ફરજિયાત નોંધણી કરવાની રહેશે. જેમાં સેલ્ફ-ડિક્લેરેશન સાથે 10 હજાર રજિસ્ટ્રેશન ફી ભરીને dpe-preprimaryreg.gujarat.gov.in વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકાશે.