Gujarat Police Firing Case: ગુજરાત પોલીસ આરોપીને હવે કડક હાથે જવાબ આપી રહી છે આજે સાંજે સુરેન્દ્રનગરમાં મારામારી કેસના આરોપી પર ફાયરિંગ બાદ હવે દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું છે. બંને કેસમાં રીઢા ગુનેગારોએ પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો. જેથી સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી.
અશોક બિશ્નોઈ પર ફાયરિંગ
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ લિકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ આજે ખાનગી વાહનમાં બાય રોડ આરોપીને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે દાહોદ નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા SMCના પોલીસ કર્મીનું ગળું દબાવ્યું હતું, બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ખૂંખાર આરોપીને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી હતી.
સુરેન્દ્રનગર: મારામારી કેસના આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ
બીજી તરફ આજે (30 ડિસેમ્બર) સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી પર PSIએ ફાયરિંગ કર્યું હતું. ગુનાની વિગતોની તપાસ માટે આરોપી દેવરાજ બોરાણાને રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેને પોલીસની નજર ચૂકવી પહેલેથી સંતાડેલી છરી વડે હુમલો કર્યો હતો.જેમાં જેમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જવાબી કાર્યવાહીમાં હાજર PSIએ આરોપી દેવરાજ બોરાણાના પગના ભાગે ગોળી મારી હતી. જે બાદ તે ઢળી પડ્યો હતો. જેને હાલ સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘાયલ પોલીસકર્મીની પણ સારવાર ચાલી રહી છે.
છેલ્લા 4 મહિનામાં 9 આરોપી પર પોલીસ ફાયરિંગ
અત્રે એ પણ જણાવી દઈએ ઉપરોક્ત બંને ઘટના સહિત છેલ્લા 4 મહિનામાં 9 આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે. આ પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર 11 સપ્ટેમ્બર 2025ના રોજ અપહરણ અને ખંડણીના આરોપી સંગ્રામસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે ઉપરાંત 24 સપ્ટેમ્બરે લૂંટ અને હત્યા કેસમાં ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે આરોપી વિપુલ પરમાર પર, 6 નવેમ્બરના રોજ નવસારીના ડાબેલમાં હત્યાના આરોપી સલમાન લસ્સી પર તો 8 ડિસેમ્બરે અમદાવાદ દાણીલીમડામાં દુષ્કર્મ કેસના આરોપી મોઈનુંદીન પર અને 11 ડિસેમ્બરે રાજકોટ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી રામસિંહ પર, 16 ડિસેમ્બરના રોજ સુરત ડબલ મર્ડરના આરોપી શિવા ટકલા પર તો 20 ડિસેમ્બરે ગાંધીનગર દુષ્કર્મ કેસના આરોપી રામ ગનીત યાદવ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું.


