Get The App

સાણંદના કલાણા ગામે હિંસા મામલે કાર્યવાહી: ડ્રોનની મદદથી 42 તોફાનીઓને પકડ્યા, આરોપીઓના ઘરે તાળા

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
સાણંદના કલાણા ગામે હિંસા મામલે કાર્યવાહી: ડ્રોનની મદદથી 42 તોફાનીઓને પકડ્યા, આરોપીઓના ઘરે તાળા 1 - image


Ahmedabad News: અમદાવાદ જિલ્લામાં સાણંદના કલાણા ગામે હિંસા મામલે 42 શંકાસ્પદોને રાઉન્ડ અપ કરાયા છે. આજે કલાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી આ જીવલેણ હુમલામાં ધાબે ચડીને અનેક લોકો એકબીજા પર પથ્થરમારો કરતા દેખાયા હતા. જે બાદ સમગ્ર ગામને પોલીસ ઘેરામાં ફેરવવાની જરૂર પડી હતી. ઘટનાની ગંભીરતા જોતાં SP અને DySP સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સ્થિતિને કાબૂમાં લીધા બાદ પોલીસે તોફાન મચાવનારા તત્ત્વોને પકડવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં પોલીસે 42 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા છે.

ગામ ખાલીખમ, ખેતરોમાંથી આરોપીઓ રાઉન્ડ અપ

ઘટના બાદ ડ્રોન સર્વેલન્સથી પથ્થરમારો કરનારા આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીથી ડરના માર્યા મોટાભાગના ઘરોમાં ખંભાતી તાળા જોવા મળ્યા હતા. આરોપીઓ પથ્થરમારો કરી ભાગી છૂટયા હતા. જેમને દબોચવા માટે ડ્રોનની મદદ લેવાઈ હતી. જેમાં અનેક આરોપીઓ ખેતરોમાં સંતાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસથી બચવા આરોપીઓ ખેતરમાં પાક વચ્ચે સૂતા હતા તેમ છતાં પણ પોલીસે પકડી પાડયા હતા. પોલીસે ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાના DVR પણ કબજે કરી તપાસ આદરી છે. હવે પછી સ્થિતિ વણશે નહીં તે માટે ગામના પ્રવેશદ્વાર પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ગામની અંદર આવનારા લોકોનું સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

'સામે કેમ જુવે છે' નાની વાતે મોટું રૂપ લીધું 

આ જૂથ અથડામણની ઘટના સોમવારે તળાવના પાળે બની હતી. આ ઝઘડાની શરૂઆત એક જૂથના બે છોકરાઓ અને અન્ય જૂથના એક છોકરા વચ્ચે એકબીજાની સામે જોવાની બાબતે થયેલી બોલાચાલીથી થઈ હતી. ત્યારબાદ ગામમાં બંને પક્ષોના ટોળા સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો, જેના પગલે પોલીસે બંને પક્ષોની FIR દાખલ કરી છે. આજે સવારે ફરી બંને જૂથના લોકો વચ્ચે માથાકૂટ કરી પથ્થરમારો કર્યો હતો. જે બાદ ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં ફૂલોનો મનમોહક દરિયો! 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર

ઘટના બાદ પોલીસે શું કહ્યું?

વધુમાં સાણંદ ડિવિઝન DySPએ કહ્યું હતું કે 'આ અથડામણમાં કોઈને ગંભીર ઈજા કે ફ્રેક્ચર થયું નથી, માત્ર સામાન્ય મૂઢમાર અને લોહીની ફૂટ જેવી નાની ઈજાઓ થઈ છે. હાલમાં ગામમાં જીઆઈડીસી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સવારે પોલીસે કોમ્બિંગ કરીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.' હાલમાં પોલીસે 42થી વધુ આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી છે, અન્ય અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.