ગુજરાતના 6 જિલ્લામાં ભ્રષ્ટાચાર, નલ સે જલ કૌભાંડની તપાસમાં કેન્દ્રીય એજન્સીએ ઝંપલાવ્યું

Nal se Jal Scam: એક તરફ, નલ સે જલ યોજનાના માઘ્યમથી 91 લાખ ઘર સુધી શુઘ્ધ પાણી પહોંચ્યુ હોવાનો સરકારે દાવો કર્યો છે ત્યારે બીજી તરફ, આ સરકારી યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો છે જેના પગલે સીઆઇડી ક્રાઇમ બાદ હવે કેન્દ્રીય એજન્સીએ પણ તપાસમાં ઝુકાવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાતમાં મહીસાગર જીલ્લામાં જન હી, નલ સે જલ યોજનામાં થયેલાં ભ્રષ્ટાચારના તાર હવે એકથી વઘુ જિલ્લામાં પ્રસર્યા છે ત્યારે કેન્દ્રની સૂચનાને પગલે ગુજરાતમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
નલ સે જલ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર
પ્રત્યેક ઘર સુધી નળ દ્વારા પીવાનું શુઘ્ધ પાણી પહોચાડવા માટેની નલ સે જલ યોજનામાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરાયો છે. આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ગુંજી ઉઠ્યો છે. ખુદ ગુજરાત સરકારે વિધાનસભામાં પણ કબૂલ્યુ છેકે, મહીસાગર ઉપરાંત ખેડા, બનાસકાંઠા, મહેસાણા, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જીલ્લામાં પણ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયા હોવાની કુલ મળીને 16 ફરિયાદો મળી છે. આ જીલ્લામાં રૂા.96 કરોડનો ખર્ચ કરાયો છે પણ લોકોના ઘર સુધી શુઘ્ધ પાણી પહોંચી શક્યુ નથી. આ ઉપરાંત આ સરકારી યોજનામાં ઘણી ફરિયાદો સરકાર સુધી પહોંચી છે.
થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં ગેરરીતિ ખુલી
નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારને લઇને દેશભરના જુદા જુદા રાજ્યોમાં ય તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાતમાં પણ સીઆઇડી ક્રાઇમની તપાસ ચાલી રહી છે ત્યારે મળતિયા કોન્ટ્રાકટર ઉપરાંત તલાટી અને સરપંચો પણ રડારમાં છે. જોકે, રાજકીય પક્ષો સાથે નાતો ધરાવતાં હોવાથી સરકારે તપાસમાં ઢીલાઇ દાખવી છે. દરમિયાન, કેન્દ્રની સૂચનાને પગલે ગુજરાતમાં ટીમોએ થર્ટ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યુ હતું જેમાં એવી તથ્યો બહાર આવ્યા કે, ઘર પાસે નળ તો લગાવાયાં છે પણ પાણીની પાઇપ જ નખાઇ નથી.
આ કામો થયાં વિના જ મળતિયા કોન્ટ્રાકટરોને નાણાં ચૂકવી દેવાયાં છે. આ ગેરરીતીને પગલે યોજનાના ખર્ચમાં વધારો થયો છે, જે સરકારી તિજોરી પર ભારણ બન્યુ છે. આ યોજનામાં હજુ ઘણી ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા જોવાઇ રહી છે જેના કારણે કેન્દ્રીય એજન્સીઓએ પણ તપાસમાં ઝુકાવ્યુ છે.

