વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક: ગુજરાતમાં 21357 માતાએ દૂધનું દાન કરતાં 19731 બાળકોને નવજીવન
(IMAGE - ENVATO) |
World Breastfeeding Week: બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂધને સીધું ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને બીજી માતા પરોક્ષ માતા તરીકે અમૃતરૂપી દૂધ આપી શકે તેના માટે ‘હ્યુમન મિલ્ક બેન્ક આશીર્વાદ સમાન હોય છે. ગુજરાતમાં કાર્યરત્ ‘મધર મિલ્ક બેન્કમાં અત્યાર સુધીમાં 21,357 માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે, જેનો અંદાજે 19,731 બાળકોને લાભ અપાયો છે.
માતાએ પોતાના દૂધનું દાન કરતાં 19731 બાળકોને નવજીવન
ગુજરાતમાં દર વર્ષે અંદાજે 13 લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી અમુક બાળકો પ્રિટર્મ હોય છે અને ઓછા વજનવાળા હોય છે. આ તમામ બાળકો જ્ઞાનાત્મક વિકાસની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે તેમની તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ માતાનું દૂધ સીધું ગ્રહણ કરી શકતા નથી. આવા બાળકો માટે આ અન્ય માતાઓ દ્વારા આપવામાં આવેલું દૂધ અમૃત સમાન બને છે.
રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક કાર્યરત
ગુજરાતના નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક કાર્યરત છે. આ બેન્ક અનેક નવજાત બાળકોના પોષણનું માઘ્યમ બની રહી છે. સામાન્ય રીતે મધર મિલ્ક બેન્ક તરીકે ઓળખાતી આ માતૃબેન્કમાં અનેક માતાઓ પોતાના મહામૂલા ધાવણનું દાન કરી નવજાત બાળકો માટે સાચા અર્થમાં યશોદા બની રહી છે.
રાજ્યમાં વર્ષ 2024-25માં હ્યુમન મિલ્ક બેન્કમાં 5537 માતાઓએ 5036 લિટર દૂધ ડોનેટ કર્યું છે. આ વર્ષે હ્યુમન મિલ્ક બેન્ક દ્વારા 2092 લિટર દૂધ આપીને 7829 બાળકોને નવજીવન મળ્યું છે.
મધર મિલ્ક બેન્ક કાઈ રીતે કામ કરે છે?
- માતાઓના તમામ તબીબી રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમનું દૂધ લેવામાં આવે છે
- સગર્ભા મહિલાઓની ડિલિવરી થયા બાદ જો વધારે ફીડિંગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફીડિંગનું મહત્ત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રીપોર્ટ કરવામાં આવે છે.
- એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દૂધ લેવામાં આવે છે.
- માતાનું દૂધ લેવા માટે ઈલેક્ટ્રિક બ્રેસ્ટ પંપનો ઉપયોગ થાય છે. જેનાથી યોગ્ય માત્રામાં અને જરૂર પૂરતું જ માતાનું દૂધ લઇ શકાય અને તેનાથી માતાને કોઈ શારીરિક નુકસાન કે દુખાવો થતો નથી.
- આ ડોનેટ કરેલા દૂધને પેશ્ચ્યુરાઇઝ્ડ કરી તેનું રેપિડ કૂલિંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટમાં રીપોર્ટ માટે મોકલાય છે.
- દૂધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં માઇનસ 18થી માઇનસ 20 ડિગ્રી તાપમાને સ્ટોર કરાય છે.
- સામાન્ય રીતે 125 એમએલની એક બોટલમાં ત્રણ માતાઓના દૂધને મિશ્ર કરાય છે. આ સંગ્રહિત અમૃત 6 માસ ચાલે છે.
- આ બેન્કમાં અધૂરા માસે જન્મેલા બાળકો જેમનું વજન 1 કિલો 800 ગ્રામથી ઓછું હોય, બાળક કોઈ બીમારીના કારણે આઇસીયુમાં હોય અને તેમની માતા હોસ્પિટલ પહોંચી શક્યા ના હોય તેવા બાળકોને આ દૂધ આપવા માટે પ્રાધાન્ય અપાય છે.
- દૂધના દાનથી ધાત્રી માતાના શરીરને કોઈ નુકસાન નથી. દૂધનું દાન રક્તદાન જેટલું જ અમૂલ્ય.
અમદાવાદની સિવિલમાં મધર મિલ્ક બેન્કનો પ્રોજેક્ટ વર્ષોથી ટલ્લે
મધર મિલ્ક બેન્ક રાજ્યની 4 મેડિકલ કોલેજ હોસ્પિટલ સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે કાર્યરત છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 7 હજારથી વઘુ બાળકો જન્મે છે. આમ છતાં મધર મિલ્ક બેન્કનો પ્રોજેક્ટ વર્ષોથી ટલ્લે છે.
હાલ અમદાવાદમાં માત્ર ખાનગી હ્યુમન મિલ્ક બેન્ક જ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મધર મિલ્ક બેન્ક શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા અસારવા સિવિલ હોસ્પિટલને રૂપિયા 30 લાખની ગ્રાન્ટ અપાઇ હતી. પરંતુ નિર્ધારિત સમયમાં તેનો ઉપયોગ નહીં કરાતાં ગ્રાન્ટ પરત લઇ લેવામાં આવી હતી.
મધર મિલ્ક બેન્ક ચલાવવી ખૂબ જ મુશ્કેલ
જાણકારોના મતે મધર મિલ્ક બેન્ક ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે. તેમાં સ્ટાફ-મિલ્ક બેન્ક ડોનર્સને લાવી શકે તેવા નિષ્ણાતની જરૂર હોય છે. આ ઉપરાંત ડોનેશનમાં મળેલા દૂધનો માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં સંગ્રહ કરવો પડે છે. મધર મિલ્ક બેન્ક માટે અંદાજે રૂપિયા 75 લાખની રકમની જરૂર હોય છે. સિવિલ હોસ્પિટલના દાવા અનુસાર આગામી ટૂંક સમયમાં હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવે તે દિશામાં ચક્રો ગતિમાન થઇ ગયા છે.
આ પણ વાંચો: આ કેવું વાઈબ્રન્ટ ગુજરાત? 1 કરોડ ગરીબો મનરેગા હેઠળ મજૂરી કરવા મજબૂર!
નવજાત બાળકો માટે સ્તનપાન શા માટે જરૂરી....
સ્તનપાન સપ્તાહ ઉજવણીનો આશય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, છ માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને 6 માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો છે જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઇ શકે અને બાળકનું જીવન બચાવવાની સાથે અમૂલ્ય એવું સ્વસ્થ જીવન ભેટ કરી શકાય.
ગાંધીનગર સિવિલમાં 646 માતાઓએ દૂધનું દાન કર્યું
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2021થી આવી જ એક હ્યુમન મિલ્ક બેન્ક કાર્યરત છે. આ બેન્કમાં અત્યાર સુધી કુલ 646 માતાઓએ પોતાના અમૃતરૂપ દૂધનું દાન કર્યું છે. આ દૂધથી 694 બાળકોને નવજીવન મળ્યું છે. આ બેન્કમાં અત્યાર સુધી 183.18 લિટર દૂધ એકત્ર કરાયું છે. ગુજરાતની એસ.એસ.જી હોસ્પિટલ વડોદરાને ઉચ્ચ ગુણવત્તા યુક્ત માપદંડોનું પ્રમાણપત્ર અનાયત કરવામાં આવ્યું છે. આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનાર આ હોસ્પિટલ ભારતની પ્રથમ હોસ્પિટલ છે.