ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક અહેવાલ, હવામાન વિભાગે ખેડૂતો સહિત લોકોનું ટેન્શન વધાર્યું!
IMD Rain Forecast : શ્રાવણ મહિનાની શરુઆતમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, જેને પગલે ખેડૂતો અને સામાન્ય નાગરિકોની ચિંતા વધી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચમી ઑગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ નહીં થાય. ગુજરાત અને મધ્ય ભારતમાં 1 ઑગસ્ટથી 14 ઑગસ્ટ સુધી સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત
ખેડૂતોની ચિંતા વધી
વરસાદનું જોર ઘટવાથી ખેડૂતો માટે આગામી દિવસો પડકારરૂપ બની શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હાલ કોઈ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમોનો પ્રભાવ ઓછો છે, જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.
આગામી 5 દિવસ હળવા વરસાદની શક્યતા
જોકે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ તે ભારે વરસાદ નહીં હોય. આ આગાહીથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી વરસાદનું જોર ધીમું રહેશે.