Gujarat

Gujarat Rain: ગુજરાતભરમાં સવારથી મેઘરાજાની ધડબડાટી, 3 જિલ્લામાં 3 ઇંચ, જુઓ 90 તાલુકાની સ્થિતિ

By GS TEAM
19 Jun 20253 mins read
TukuTouch Logo
ચોમાસાની ઋતુ શરુ થતાંની સાથે જ આજે (19 જૂન) સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે 4 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઓલપાડમાં પડ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ રાજ્યના ત્રણ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરતના ઓલપાડમાં 3.39 ઇંચ, વલસાડના ધરમપુરમાં 3.35 ઇંચ અને ભરુચના હાંસોટમાં 3.19 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભરુચના વાલીયામાં તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain: ગુજરાતભરમાં સવારથી મેઘરાજાની ધડબડાટી, 3 જિલ્લામાં 3 ઇંચ, જુઓ 90 તાલુકાની સ્થિતિ

Gujarat Monsoon Rain Update: ચોમાસાની ઋતુ શરુ થતાંની સાથે જ આજે (19 જૂન) સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે 4 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઓલપાડમાં પડ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ રાજ્યના ત્રણ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરતના ઓલપાડમાં 3.39 ઇંચ, વલસાડના ધરમપુરમાં 3.35 ઇંચ અને ભરુચના હાંસોટમાં 3.19 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભરુચના વાલીયામાં તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગત 24 કલાક સુધીમાં રાજ્યમાં આ ઋતુનો કુલ સરેરાશ વરસાદ એકંદરે 113.63 મિ.મી એટલે કે 12.87 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ 9.8 ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

આ પણ વાંચો: ઉપરવાસમાં વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ, પાણીની સપાટી 119.55 મીટર પહોંચી



રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈ અને સુબીર તાલુકામાં 7 ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચીખલી તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 

આ ઉપરાંત રાજ્યના 17 તાલુકામાં બે ઇંચથી વધુ, 37 તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે, 89 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે.



સરદાર સરોવરની જળ સપાટી 119.55 મીટર પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરુ થઈ છે. ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની હાલની સપાટી 119.55 મીટર પહોંચી ગઈ છે. ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જાય તેવી શક્યતાઓ છે. નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરુ કરી દેવામાં આવ્યા છે. જેમાં RBPHના 4 અને CHPHનું 1 ટર્બાઇન હાલ ચાલુ છે જેના થકી 34 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 

ભારેથી અતિભારે વરસાદનું યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે (19મી જૂન) પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યમાં આગામી 20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 22 જૂને રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.