Get The App

Monsoon Updates : 24 કલાકમાં 227 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બરવાળામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
Monsoon Updates : 24 કલાકમાં 227 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બરવાળામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો 1 - image


Gujarat Monsoon Update : છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં 227 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ વરસાદ પડ્યો હતો. 

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકામાં, સુરેન્દ્રનગરના મુળી અને જામનગરના જોડિયા તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના થાનગઢ તેમજ ભાવનગરના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં પણ 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડા, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ, બનાસકાંઠાના દિયોદર, અમદાવાદના ધંધુકા, આણંદના બોરસદ અને કચ્છના અંજાર તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના 17 તાલુકામાં બે ઇંચથી વધુ, 43 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 152 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. 

આજે (18 જૂન) 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 

ત્યારે વીજળી પડવાથી, વાવાઝોડાનાં કારણે તથા અન્ય કેટલાંક કારણોથી રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 18 જેટલા નાગરિકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એન.ડી.આર.એફ.)ની 12 ટીમ વિવિધ જિલ્લામાં જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની ટીમ 20 જિલ્લામાં ઉતારવામાં આવી છે. આ દરમિયાન બુધવારે અમદાવાદ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો:  અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, ભારે પવન અને કડાકા-ભડાકા સાથે થશે મેઘમહેર

હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

હવામાન વિભાગની હવામાનની આગાહી મુજબ, બુધવારે (18 જૂન) વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ  અને 6 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

રેડ એલર્ટઃ અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, જૂનાગઢ, પોરબંદર.

ઓરેન્જ એલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, અમરેલી.

યેલો એલર્ટઃ મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ.

ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

Monsoon Updates : 24 કલાકમાં 227 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બરવાળામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો 2 - image


Monsoon Updates : 24 કલાકમાં 227 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બરવાળામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો 3 - image

આવતીકાલે કેવું રહેશે વાતાવરણ? 

હવામાન વિભાગે ગુરુવારે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. 

Tags :