ગુજરાતમાં ચોમાસુ પૂરજોશમાં: સુરતના પલસાણામાં 3.50 ઇંચ વરસાદ, 6 જિલ્લામાં 3 કલાક માટે રેડ ઍલર્ટ
Gujarat Rain Update : રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન 32 જિલ્લાના 115 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરતના પલસાણામાં સૌથી વધુ 3.50 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, બનાસકાંઠાના વાવમાં 2.99 ઇંચ, અને ધરમપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
સાંજે 4 વાગ્યાથી 6 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (4 જુલાઈ, 2025) ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને રાજકોટમાં સાંજે 4 વાગ્યાથી ત્રણ કલાક માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, મોરબી, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં મેઘરાજા ઓળઘોળ: વડગામમાં આભ ફાટયું, 39 કલાકમાં 12 ઈંચ વરસાદ
સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
પાંચમી જુલાઈની આગાહી
પાંચમી જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
છઠ્ઠી જુલાઈની આગાહી
છઠ્ઠી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
સાતમીથી નવમી જુલાઈની આગાહી
રાજ્યમાં આગામી સાતમીથી નવમી જુલાઈ સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.