Get The App

બનાસકાંઠામાં મેઘરાજા ઓળઘોળ: વડગામમાં આભ ફાટયું, 39 કલાકમાં 12 ઈંચ વરસાદ

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં મેઘરાજા ઓળઘોળ: વડગામમાં આભ ફાટયું, 39 કલાકમાં 12 ઈંચ વરસાદ 1 - image


Banaskantha Rain : હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ગતમોડી રાતથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. જોતજોતામાં સર્વત્ર મુશળાધાર વરસાદ શરૂ થયો હતો. જેમાં જિલ્લાભરમાં છેલ્લા 39 કલાકના સમયગાળામાં સૌથી વધુ વડગામ તાલુકામાં જાણે આભ ફાટયું હોય તેમ અંદાજીત 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા, અમીરગઢ, દિયોદર, લાખણી, કાંકરેજ, ભાભર સહીતના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાવો હતો. ધોધમાર વરસાદ પડતાં પાલનપુર આબુરોડ હાઈવે ઉપર પાણીનો ભરાવો થતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો. તેમજ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પણ ઢીંચણ સમાન પાણી એકત્રિત થતાં સર્જાયેલી પરિસ્થીતીને લીધે સ્થાનિકોને ભારે હાડમારીઓ વેઠવાનો વારો આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના સમયગાળામાં ભારે મેઘ ખાંગા થયા છે. દાંતા, અમીરગઢ, પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાલનપુરમાં અનરાધાર વરસાદથી શહેરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ડોક્ટર હાઉસ અને મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ચુસતાં ધરવખરી ભારે નુકસાન થયું છે. 

તંત્રના પાપે પ્રજાને પારાવાર નુકસાન

પાલનપુર શહેરમાં વહેલી પરોઢે સાંબેલાધાર વરસાદ પડતા શહેરના જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ડોક્ટરની હાઉસની પાછળના વિસ્તારમાં સફાઇના અભાવે નાળા બ્લોક થઇ જતાં પાણીનો ભરાવો થયો હતો. લાંબા સમયથી સફાઇ ન થતાં નાળામાં કચરો અને પ્લાસ્ટિક જામ થતા પાણીનો પ્રવાહ અટકી જતાં સંખ્યાબંધ મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પારાવાર નુકશાન થયું હતું. જ્યારે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મકાયા હતા. જેને લઈ લોકોમાં નગરપાલિકાની ઘોર લાપરવાહી સામે ભારે રોષ ભભુકી ઉઠયો હતો. 

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં મેઘમહેર, રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 5 ઈંચ


બનાસકાંઠામાં મેઘરાજા ઓળઘોળ: વડગામમાં આભ ફાટયું, 39 કલાકમાં 12 ઈંચ વરસાદ 2 - image

વરસાદે પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી 

પાલનપુર ભારે વરસાદે નગરપાલિકા પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી હતી. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે પાલીકા તંત્ર દ્વારા શહેરમાં આવેલા નાળા તેમજ ભૂગર્ભ ગટરની ચેમ્બરોની સાફ સફાઈ માટે 85 લાખ રૂપિયામાં માતબર ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ નાળા અને ભૂગર્ભ ગટર ચેમ્બરોની સફાઈ કરવામાં વેઠ વાળવામાં આવતા તેમજ વિવિધ વિસ્તારોમાં ચેમ્બરોની સફાઈ કરવામાં ન આવતા વરસાદની પરિસ્થિતિમાં શહેરમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી.

આબુરોડ હાઇવે પર ઢીંચણસમા પાણી ભરાયા

પાલનપુરના ગુરૂવારે વહેલી સવારે નીંદર માણી રહ્યા હતા તે સમયે વરસાદે ગાજવીજ સાથે મુશળાધાર વરસાદ ખાબકી ગયો હતો. બપોર સુધી અવિરત વરસતા સવા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈ આબુ હાઇવે પર બિહારી બાગ, ગઠામણ પાટીયા, ડેરી રોડ પર આદર્શ સ્કૂલ રોડ કીર્તિસ્તંભ જેવા વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. રોડ ઉપર ઢીંચણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. બેચરપુરા, ગણેશપુરા, ભવદીય સોસાયટી, મફતપુરા જેવા નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ઘર વખરી નુકશાન થવા પામ્યું છે. શહેરમાં સામાન્ય વરસાદ પૂરની પરિસ્થિતિ સર્જાઇ રહી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા જળબંબાકાર: વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર, ઘર-દુકાનોમાં પાણી ઘૂસ્યા

બનાસકાંઠામાં મેઘરાજા ઓળઘોળ: વડગામમાં આભ ફાટયું, 39 કલાકમાં 12 ઈંચ વરસાદ 3 - image

ગોબરી તળાવ ઓવરફલો થતા પાણી ભરાયાં

પાલનપુરમાં ભારે વરસાદ પડતા ગોબરી તળાવ મોવરફલો થયું હતું. આ તળાવમાં શહેરનું પાણી વધુ પ્રમાણમાં આવી જતા તળાવનું પાણી નવા ગંજ અને આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી ન જાય તે માટે વહિવટી તંત્ર દ્વારા ગોબરી તળાવના નીચાણવાળા વિસ્તારના ખેતરોના દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

લડબી નદીમાં પાણી વહેતા થયાં

પાલનપુરના સવા આઠ ઈંચ વરસાદ પડતાં લડબી નદી બંને કાઠે વહેલા લાગી હતી. ગઢ ગામે સિઝનમાં લડબી નદીમાં પ્રથમ વખત પાણી આવતા ભૂગર્ભ જળ ઉચા આવવાની આશાને લઈ લોકોમાં ખુશાલી વ્યાપી હતી અને નદીમાં આવેલા નીરને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

બનાસકાંઠામાં મેઘરાજા ઓળઘોળ: વડગામમાં આભ ફાટયું, 39 કલાકમાં 12 ઈંચ વરસાદ 4 - image

વડગામમાં સરકારી રેકર્ડ પાણીમાં ગરકાવ

વડગામમાં તાલુકા પંચાયતની રેકર્ડ શાખાના રૂમમાં પાણી ઘૂસી જતાં છેલ્લા ત્રણ વર્ષના દાખલા અંગેના સરકારી રેકર્ડ પલળી ગયા હોવાનું વડગામ ટીડીઓએ જણાવ્યું હતું. વડગામમાં આભ ફાટવા જેવી પરિસ્થિતિ વચ્ચે તાલુકા પંચાયત, ખેરાલુ રોડ, નવા બસ સ્ટેપ વવાડિયા રોડ ઉપર મોટી માત્રામાં પાણી ભરાયા હતા.જ્યારે એસટી બસ તેમજ 108 એમ્બ્યુલન્સને પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગઢમાં મકાનની દીવાલ ધરાશાયી 

બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર મુશળધાર વરસાદ પડતાં ઠેર ઠેર રોડ રસ્તા ધોવાયા હતા. પાલનપુરના ગઢ ગામે પશુભાઈ દેવાભાઈ પગીના મકાનની દીવાલ ધરાશાયી થતાં અફરા તફરી મચી જવા પામી હતી. ઘટનામાં સદનસીબે જનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Tags :