Gujarat

ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ

By GS TEAM
25 Jul 20252 mins read
TukuTouch Logo
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ

Gujarat Dam Storage Report: રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. 

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે. 

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઇ ઍલર્ટ, 19 ડેમને ઍલર્ટ તથા 23 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 62 ડેમ 70 ટકાથી 100 ટકા, 41 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 38 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. 

આ પણ વાંચો: ગાંધીનગરના રાંદેસણ નજીક કાળ બની કાર, એક મહિલા સહિત 4ના મોત, 2 ઇજાગ્રસ્ત

ચાલુ ચોમાસા સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 25 જુલાઈ 2025ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, 68.23 ટકા વિસ્તારમાં ખરીફ–ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે 19.62 લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે. 

ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4,278 નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 689 નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 

ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. 28 જુલાઈ, 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વરસાદના કારણે ખોરવાયેલા વીજ પુરવઠાને 100 ટકા પૂર્વવત કરવામાં આવ્યો છે. G.S.R.T.Cથી મળેલી માહિતી મુજબ આજની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે બસના કોઈપણ રૂટ કે ટ્રીપ બંધ નથી.