ગુજરાતનાં સાંસદ-ધારાસભ્યોને ખેડૂતોની વેદના નહીં રાજકીય ડ્રામામાં રસ, એસી ચેમ્બરમાં બેસી પત્ર લખવાના ડોળ

Unseasonal Rains In Gujarat: કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોંઢામાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી પરિણમી છે. લાખો હેક્ટરમાં ખેતીને નુકસાન પહોચતાં જગતનો તાત આર્થિક રીતે બેહાલ બન્યો છે ત્યારે ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા સાંસદ-ધારાસભ્યોમાં જાણે હોડ જામી છે. મુખ્યમંત્રીને પત્ર લખી ડઝનબંધ સાંસદ-ધારાસભ્યોએ રાહત સહાય આપવાની માંગ સાથે પત્ર લખ્યા છે આમ, માવઠાની સિઝનમાં લેટરવોર પણ જામ્યો છે.
અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને રાજકીય દોટ
એક બાજુ, મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોચ્યાં છે ત્યારે બીજી તરફ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને કૃષિ પેકેજ સહાય આપવા જાણે દોટ માંડી છે. પૂર્વ મંત્રી મુકેશ પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ શાહ, સાણંદના ધારાસભ્ય કનુ પટેલ, વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ, ચૌર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ધારાસભ્ય કેતન ઈનામદાર, ધારાસભ્ય મોહન ઢોડિયા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, સાંસદ ધવલ પટેલ, પૂર્વ સાંસદ નારણ કાછડિયા, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, ગુલાબસિંહ ચૌહાણ અને વિમલ ચુડાસમા સહીત અન્ય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લાખીને પોતાના મત વિસ્તારમાં ખેડૂતોને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે ત્યારે રાહત સહાય આપવા માંગ કરી છે.
દુઃખની ઘડીમાં જનપ્રતિનિધિઓના રાજકારણ
નવાઈની વાત તો એ છે કે આર્થિક રીતે તબાહ થયેલા ખેડૂતોની વેદના જાણવાનો કોઈ પાસે સમય નથી. તેમનું દર્દ છલકાઈ રહ્યું છે ત્યારે તેમને હૈયાધારણ આપવાનો ધારાસભ્યો પાસે સમય નથી. માત્ર એસી ચેમ્બરમાં બેસીને મુખ્યમંત્રીને પત્ર લખી ધારાસભ્યએ રાજકીય ડોળ સિવાય કશું કર્યું નથી. ટૂંકમાં દુઃખની ઘડીમાં ય ચૂંટાયેલા જનપ્રતિનિધિ રાજકીય ડ્રામાની તક છોડતા નથી તે લેટરવોર પરથી પ્રસ્થાપિત થયું છે.


 
