ક્લાઈમેટ ચેન્જના કારણે ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું: રિસર્ચમાં ઘટસ્ફોટ

રિપોર્ટમાં ગુજરાત ટોપ50માં
વિશ્વના 2600 પ્રદેશોના અભ્યાસ બાદ તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં દેશના નવેક રાજ્યો ક્લાયમેટ રિસ્કના ગંભીર ભય હેઠળ છે, જેમાં ગુજરાતનું સ્થાન પણ સામેલ છે. રાજ્યમાં પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ અંગેના સંશોધનોમાં નિષ્ણાતોએ નોંધ્યું છે કે ગુજરાતમાં 'એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ' (અતિશય હવામાન ઘટનાઓ)માં વધારો જોવા મળ્યો છે.
વરસાદની તીવ્રતા વધી, દિવસો ઘટ્યા
ક્લાઇમેટ ચેન્જની સીધી અસર રાજ્યના ચોમાસા પર પડી છે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં અતિશય વરસાદ નોંધાતો હતો, પરંતુ હવે ચિત્ર બદલાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ વધ્યો છે, પરંતુ તેની સામે વરસાદી દિવસોની સંખ્યા ઘટી છે, જે ઓછા સમયમાં વધુ વરસાદ પડવાની ઘટનાઓ તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચો: માવઠાના કારણે ગિરનારની લીલી પરિક્રમા પર 'સંકટના વાદળ', હજુ બે દિવસ વરસાદની આગાહી
લીલા દુકાળની પરિસ્થિતિ
વધુ પ્રમાણમાં વરસાદ પડવાના કારણે ઘણી જગ્યાએ 'લીલા દુકાળ'ની પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં ખેતીને વ્યાપક નુકસાન થાય છે. બનાસકાંઠામાં આનું સ્પષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું.
ગ્રીન વોલ બનાવવાની માંગ
પર્યાવરણવિદોનું માનવું છે કે ક્લાયમેટ ચેન્જ અને વધતી જતી વરસાદની તીવ્રતાને કારણે દરિયાકાંઠાના વિસ્તારો જોખમમાં મુકાયા છે. આંધ્રપ્રદેશે ક્લાયમેટ ચેન્જ સામે લડવા માટે 'ગ્રેટ ગ્રીન વોલ' (દરિયા કિનારાનું બાયો શીલ્ડીંગ) બનાવવાનું આયોજન કર્યું છે, જેમાં ચેર (મેન્ગ્રોવ્સ) અને અન્ય વૃક્ષોનું પ્લાન્ટેશન કરીને દરિયાકિનારાને સુરક્ષિત કરાશે.
ગુજરાત ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી, પર્યાવરણવિદોએ આવી જ યોજનાઓ ગુજરાતમાં પણ તાત્કાલિક અમલમાં લાવવા માટે વિચારણા કરવાની માંગ કરી છે, જેથી રાજ્યને દરિયાઈ જોખમો સામે સુરક્ષિત કરી શકાય.


