Get The App

SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પષ્ટ થશે ચિત્ર

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
Gujarat Local Election Delay


Gujarat Local Election Delay: ગુજરાતમાં 60 લાખથી વધુ શંકાસ્પદ અને ડુપ્લિકેટ મતદારો હોવાનો આરોપ છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે હવે ગુજરાતમાં પણ મતદાર યાદી સઘન પુનરાવર્તન (એસઆઈઆર) શરૂ કરવા નક્કી કરાયુ છે. જોકે, સમગ્ર પ્રક્રિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં આટોપી લેવાશે. તે જોતાં પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ હજુ પાછી ઠેલાઈ શકે છે. પંચાયતમાં સભ્ય અને મહાનગરપાલિકામાં કોર્પોરેટર બનવા થનગનતા દાવેદારોએ હજુ રાહ જોવી પડે તેમ છે.

બોગસ વોટિંગ રોકવા કેન્દ્રીય પંચની કવાયત

રાહુલ ગાંધીએ કર્ણાટક સહિત મહારાષ્ટ્રમાં ડુપ્લીકેટ અને શંકાસ્પદ મતદારોને લઈને પુરાવા રજૂ કર્યાં છે ત્યાર બાદ આ મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. હવે ચૂંટણીઓમાં બોગસ વોટિંગ ન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આખીય કવાયત શરૂ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ કરતાં ગુજરાતમાં પણ આજથી મતદાર યાદીની ચકાસણીનું કામ શરૂ કરાયુ છે. હાલ ગુજરાતમાં કુલ મળીને પાંચ કરોડ મતદારો છે ત્યારે પ્રથમ તબક્કામાં બુથ લેવલ ઓફિસર ઘેર ઘેર જઈને મતદારોની ઓળખ કરશે. 50,963 બુથ લેવલ ઓફિસરોને મતદારોના વેરિફિકેશન કરવાની કામગીરી સુપરત કરાઇ છે.

ગુજરાતમાં પણ કોંગ્રેસે 62 લાખ મતદારો શંકાસ્પદ હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ આ પ્રક્રિયાના માધ્યમથી ડુપ્લીકેટ મતદાર તથા મૃતકના નામ મતદાર યાદીમાંથી દૂર કરશે. સાથે સાથે બે સ્થળે મતદાર યાદીમાં નામ હોય તેવા મતદારોના નામ પણ યાદીમાંથી કમી કરાશે.

આ પણ વાંચો: ગુજરાતનાં મંત્રીને ખેડૂતોની વેદના નહીં દેખાડામાં રસ! પ્રદ્યુમન વાજા ગમબૂટ પહેરી અસરગ્રસ્તોને મળ્યા

મતદાર યાદીની ઓળખ: 4 નવે.થી 4 ડિસેમ્બર

તા.4 નવે.થી 4 ડિસેમ્બર સુધી મતદાર યાદીના પ્રત્યેક મતદારની ઓળખ કરાશે. તા.9 ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે, જેમાં જે મતદારોના નામ કમી થયા હશે તેમને નોટીસ પાઠવી વાંધા સાથે દસ્તાવેજ સાથે રજુઆત કરવા તક આપવામાં આવશે. 7મી ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરાશે. ત્યાર બાદ ગુજરાતમાં કેટલાં ડુપ્લીકેટ-શંકાસ્પદ મતદારો હતાં તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હજુ તો નવા જીલ્લા પંચાયતમાં વોર્ડ સિમાંકન પણ બાકી છે. આ જોતાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તેવી શક્યતા જ નથી. ચૂંટણીઓ પાછી ઠેલાય તેમ લાગી રહ્યું છે. પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ એપ્રિલ-મે માસમાં યોજાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પષ્ટ થશે ચિત્ર 2 - image

Tags :