Get The App

ખાખી-સરકારની મહેરબાની! દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ 48000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ખાખી-સરકારની મહેરબાની! દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ 48000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં 1 - image


Gujarat Liquor Bootleggers: નાયબ મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી એલાન કયુ છે કે, દારુ-ડ્રગ્સની ફરિયાદ હોય તો મને કહેજો, 24 કલાકમાં દરોડા પડાવીશ. પણ  ગુજરાતમાં  દારૂના અડ્ડા, બૂટલેગરો વિરુઘ્ધ એકાદ બે નહી પણ 48,000 ફરિયાદો  સરકાર અને પોલીસ સુધી પહોંચી છે પણ કોઇ કાર્યવાહી થઇ નહી. ખુદ ગૃહવિભાગે આ વાતનો સ્વિકાર કર્યો છે પણ શું પગલાં લીધાં એનો ફોડ જ પાડ્યો નથી. આ જોતાં ગુજરાતમાં દારૂબંધીની અસરકારક અમલવારી કેમ થઇ રહી નથી તે મુદ્દે સરકારની નીતિ ખુલ્લી પડી છે.

ગુજરાતમાં દારૂબંધી છતાં બુટલેગરો બેફામ

રાજકીય આર્શિવાદને લીધે ગુજરાતમાં દારુબંધી અમલમાં હોવા છતાંય બુટલેગરો અને ડ્રગ્સ માફિયા-પેડલરો બેફામ બન્યાં છે. આ જોતાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દારુ-ડ્રગ્સના દૂષણ સામે જંગ છેડ્યો છે જેને જનસમર્થન પણ સાંપડી રહ્યુ છે. દારૂ-ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવાની માંગ સાથે રાજ્યભરમાં રેલીઓ યોજાઇ રહી છે પરિણામે સરકારને બેકફુટ પર આવવું પડ્યુ છે. 

3 વર્ષમાં 48,387 ફરિયાદો 

ખુદ ગુજરાત સરકારે જ વિગતો આપી છે કે, વર્ષ 2020-21માં દારૂના અડ્ડા અને બુટલેગરો વિરુઘ્ધ 14,214 ફરિયાદો મળી હતી. જ્યારે વર્ષ 2021-22માં 17,857 ફરિયાદો સરકાર અને પોલીસ સુધી પહોંચી હતી. વર્ષ 2023-24માં દારૂ-ડ્રગ્સનો વેપલો કરનારાં બૂટલેગરો સામે 16,316 ફરિયાદો થઇ હતી. ત્રણ વર્ષમાં કુલ મળીને 48,387 ફરિયાદો મળી હતી. જોકે, લોકોની ફરિયાદો મળી પણ શું કાર્યવાહી કરાઇ તે મુદ્દે સરકારે ફોડ જ પાડ્યો ન હતો. 

દારુ-ડ્રગ્સમાં અમદાવાદ અને સુરત મોખરે

ફરિયાદોમાં અમદાવાદ અને સુરતમાં મોખરે રહ્યુ છે. જો કે, ગુજરાતનો કોઇ જીલ્લો એવો નથી જ્યાં દારુ-ડ્રગ્સના અડ્ડા અને બૂટલેગરો સામે ફરિયાદ થઇ ન હોય. ટૂંકમાં બધે દારુ-ડ્રગ્સનો ધંધો ધમધમી રહ્યો છે. માત્ર દરોડોના નાટક કરી દેખાડો કરવામાં આવી રહ્યો છે પણ અસરકારક પગલાં લેવાતાં નથી જેથી દારુના દૂષણને દૂર કરી શકાયુ નથી.

ખાખી-સરકારની છત્રછાયા: ગંભીર આરોપ

દારૂના અડ્ડા અને બૂટલેગરો સામે દર વર્ષે 1500થી વઘુ ફરિયાદો મળે છે તેમ છતાંય સરકાર કે પોલીસના પેટનુ પાણી હલતુ નથી. દારુ-ડ્રગ્સનું દૂષણ વકર્યુ હોવા છતાં સરકાર માત્રને માત્ર દારૂબંધીનો ઢોલ પીટી રહી છે. એટલુ જ નહી, ગુજરાતની જનતાનું કોઇ સાંભળવા તૈયાર નથી. આ પરથી એ વાત પ્રસ્થાપિત થઇ રહી છે કે, બુટલેગરો-ડ્રગ્સ માફિયાઓ પર ખાખી જ નહી, સરકારની ય છત્રછાયા છે. 

આ પણ વાંચો: અમદાવાદ-સાણંદ હાઈવે પર ગોકળગાયની ગતિએ રસ્તાની કામગીરી, 30 મિનિટનું અંતર દોઢ કલાકે કપાય!

એક લાખનું ઇનામ જાહેર કર્યું છતાં બૂટલેગરો પકડાયાં નહી

ગુજરાતમાં દારુ-ડ્રગ્સ માટે આખુય નેટવર્ક ગોઠવાયેલું રહ્યુ છે. વર્ષ 2024માં સ્ટેટ મોનિટરીગ સેલે બુટલેગરોને પકડવા માટે રૂ.20 હજારથી માંડીને 1 લાખ સુધીનું ઇનામ જાહેર કર્યુ હતું પણ આ વાતને આજે એકાદ વર્ષ કરતાં વઘુ સમય વિત્યો છે છતાંય ટોપના બુટલેગરો સુધી પોલીસ પહોચી શકી નથી. ગુનેગારોને ઘડીની ક્ષણોમાં પકડી પાડતી ગુજરાત પોલીસ બુટલેગરોને શોધી શકતી નથી તે જ શંકા ઉપજાવે તેમ છે.

ખાખી વર્દી પર જ બૂટલેગરોનો હુમલો: 28 ઘટના બની

જનતાના રક્ષક જ હવે સલામત રહ્યાં નથી તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, બૂટલેગરોને જાણે ડર જ રહ્યો નથી. છેલ્લાં ત્રણેક વર્ષમાં બૂટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હોય તેવી 28 ઘટના બની છે. આ હુમલામાં 21 પોલીસ કર્મચારી ઘાયલ થયાં હતાં. ચોંકાવનારી વાત તો એ છે કે, ખાખી વર્દી પર હુમલો કરનારાં 29 બૂટલેગરોને પોલીસ શોધી શકી નથી. રાજકીય આશ્રયને કારણે બૂટલેગરોને ગાંધીના ગુજરાતમાં મોકળુ મેદાન અપાયુ છે. 

ખાખી-સરકારની મહેરબાની! દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ 48000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં 2 - image

Tags :