ચૂંટણી પૂર્ણ થતાં જ પોલીસ ફરી એક્શનમાં: રાજ્યમાં આજથી ‘હેલ્મેટ ડ્રાઇવ’, સરકારી બાબુઓની પણ ખેર નથી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Helmet Drive: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓનો ધમધમાટ શાંત પડતાની સાથે જ ગુજરાત પોલીસ ફરી એકવાર કડક તેવરમાં જોવા મળી રહી છે. ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે છેલ્લા એકાદ મહિનાથી ટ્રાફિકના નિયમો બાબતે જે શિથિલતા જોવા મળતી હતી, તેનો અંત આવ્યો છે. ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરથી જ રાજ્યભરમાં હેલ્મેટ અને ટ્રાફિક નિયમોના પાલન માટે એક મહિનાની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
સરકારી કચેરીઓના દરવાજે જ ‘સપાટો’
આ વખતે પોલીસની રણનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સામાન્ય રીતે જાહેર રસ્તાઓ પર ઊભી રહેતી પોલીસ આજે સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર જ ગોઠવાઈ ગઈ હતી. પોલીસનું માનવું છે કે જનતાને નિયમો શીખવતા પહેલા સરકારી કર્મચારીઓએ આદર્શ પૂરો પાડવો જોઈએ. જોકે, આ કડક અમલવારીને કારણે આજે અનેક સ્થળોએ પોલીસ અને સરકારી કર્મચારીઓ વચ્ચે તીખી તકરારના દૃશ્યો સર્જાયા હતા.

એસીપીની ગુનો દાખલ કરવાની ચીમકીથી ખળભળાટ
એક વાયરલ થયેલા વીડિયો મુજબ, એક મહિલા સરકારી કર્મચારી હેલ્મેટ વિના ઝડપાતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. દંડ વસૂલ્યા બાદ પોલીસે તેનું લાયસન્સ અને વાહન જપ્ત કરી લેતાં મામલો બિચક્યો હતો. મહિલા કર્મચારીએ ઉગ્ર રજૂઆત કરતા ટ્રાફિક વિભાગના એસીપીએ (ACP) તેમને ગુનો દાખલ કરવાની ચીમકી આપી હતી. આ ઘટનાને પગલે સરકારી કર્મચારીઓમાં ભારે કચવાટ અને ચર્ચા જોવા મળી રહી છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે આટલા સમય સુધી નિયમોમાં ઢીલ આપ્યા બાદ અચાનક આટલી કડકાઈ કેમ?
શું છે પોલીસનો નવો ઍક્શન પ્લાન?
ઇન ચાર્જ આઇજી (STB) મકરંદ ચૌહાણ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર મુજબ, આ ઝુંબેશ 1 મે થી 31 મે 2026 સુધી ચાલશે. મોટર વાહન અધિનિયમની કલમ 129 મુજબ, ટુ-વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર (પિલિયન રાઇડર) બંને માટે હેલ્મેટ અનિવાર્ય છે. ફોર-વ્હીલરમાં સીટ બેલ્ટ ન બાંધનારા સામે પણ કાર્યવાહી થશે.
ગાંધીનગર સુધી રિપોર્ટિંગ
દરેક શહેરના પોલીસ કમિશનરો અને રેન્જ વડાઓએ દરરોજ સવારે 8 વાગ્યે ઈ-મેલ દ્વારા ગાંધીનગર મુખ્ય કચેરીને રિપોર્ટ મોકલવો પડશે. આ રિપોર્ટમાં કેટલા સામાન્ય નાગરિકો અને કેટલા સરકારી કર્મચારીઓ દંડાયા તેની અલગથી વિગત આપવી પડશે.
સુરત મોડલ હવે આખા રાજ્યમાં
સુરત શહેરમાં હેલ્મેટના નિયમોનું જે પ્રકારે કડક પાલન કરવામાં આવ્યું છે, તેને સફળ ગણીને હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં પણ તે જ શિસ્ત લાગુ કરવાનો લક્ષ્યાંક છે. પોલીસનું કહેવું છે કે આ ઝુંબેશનો હેતુ દંડની આવક વધારવાનો નથી, પરંતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુના આંકડા ઘટાડવાનો અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.


આ પણ વાંચો: કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ! શિકાર કરાયાની આશંકા, 'ઓપરેશન એગ ટ્રાન્સફર' માટે આંચકાજનક ઘટના
ચૂંટણી બાદ પોલીસના આ ‘ચક્રવ્યુહ’થી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. જો તમે પણ હેલ્મેટ વિના ઘરની બહાર નીકળતા હોવ, તો ચેતી જજો, કારણ કે હવે તમારી ઑફિસના ગેટ પર જ ખાખી ધામા નાખીને બેઠી છે!









