Get The App

રાજ્ય સરકારનો વટ હુકમ: જમીન વ્યવહારોમાં 135-Dની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
રાજ્ય સરકારનો વટ હુકમ: જમીન વ્યવહારોમાં 135-Dની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર 1 - image


Gujarat Land Revenue Act 135-D Notice Amendment 2026: ગુજરાત સરકાર દ્વારા જમીન મહેસૂલ કાયદા હેઠળ સામાન્ય જનતાને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન ખરીદ-વેચાણ અને દસ્તાવેજી પ્રક્રિયામાં થતા વિલંબને રોકવા માટે સરકારે 135-Dની નોટિસ બજવણીના નિયમોમાં સુધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી રાજ્ય સરકાર વટ હુકમ જાહેર કરશે.

જમીન વ્યવહારોમાં 135-Dની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, અગાઉ દરેક વ્યવહારમાં 135-Dની નોટિસ બજાવવી ફરજિયાત હતી. આ પ્રક્રિયામાં વીડિયોગ્રાફી થતી હોવા છતાં લોકોએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઘણીવાર જૂના વાંધાઓ રજૂ કરીને પ્રક્રિયાને ખોટી રીતે લંબાવવામાં આવતી હતી. ધારાસભ્યો અને વિવિધ સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને રાખીને સરકારે હવે આ નોટિસ બજવણીની પદ્ધતિમાં છૂટછાટ આપતો વટહુકમ બહાર પાડવાનો નિર્ણય લીધો છે.

મુખ્ય ફેરફાર મુજબ, જો જમીનનો રેકોર્ડ એક વર્ષ કે તેથી ઓછા સમયનો હોય તો અગાઉ જે 30 દિવસનો નોટિસ પિરિયડ હતો તે ઘટાડીને હવે માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે. આ ફેરફારથી ખરીદનાર અને વેચાણનાર બંને પક્ષોનો સમય બચશે.

ગુજરાતમાં જમીન સંબંધિત તમામ વહીવટ 'ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, 1879' હેઠળ ચાલે છે. આ કાયદાની કલમ 135-D મુજબ, જ્યારે પણ જમીનના હકપત્રકમાં (7/12ના ઉતારામાં) કોઈ ફેરફાર કે નવી નોંધ પાડવામાં આવે ત્યારે હિત ધરાવતા તમામ પક્ષકારોને નોટિસ આપવી ફરજિયાત હોય છે. આ નોટિસનો મુખ્ય હેતુ પારદર્શિતા જાળવવાનો અને કોઈનો હક ડૂબે નહીં તે જોવાનો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે સાંજે થશે જાહેરાત, OBC અનામતના નવા રોટેશનનો થશે અમલ

પરંતુ સમય જતાં આ કલમનો દુરુપયોગ વધ્યો હતો. લોકો ખોટા વાંધા ઉઠાવીને વર્ષો સુધી નોંધ પ્રમાણિત થવા દેતા નહોતા. જો કે, હવે નવા અભિગમથી 'ઈઝ ઓફ લિવિંગ' વધશે અને મહેસૂલી પ્રક્રિયા વધુ ઝડપી અને ભ્રષ્ટાચાર મુક્ત બનશે.