Ahmedabad News : ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થાય તેવા સંકેત નથી; બલ્કે આગામી દિવસોમાં યુદ્ધ વધુ ભીષણ બને તેવા એંધાણ છે. યુદ્ધની આગમાં ગુજરાતનો હોટલ-કેટરિંગ ઉદ્યોગ પણ દઝાયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય ખોરવાતા હાઈવે પરના હોટલ વ્યવસાયને માઠી અસર થઈ છે. હોટલોના મેનુમાંથી ઘણી આઈટમો ગાયબ થઈ ગઈ છે. 'ભજિયા-સમોસા સહિતની તળેલી વાનગીઓ નહીં મળે' તેવા પાટિયા લાગ્યા છે. આ પરિસ્થિતિને લીધે હોટલ સંચાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ જેવા શહેરોમાં ખાણીપીણીની લારીઓ પણ બંધ થઈ છે.
અનેક નાસ્તા ગાયબ
'ભજિયા-સમોસા સહિતની તળેલી વાનગીઓ નહીં મળે' તેવા પાટિયા લાગ્યા, મેનુ કાર્ડમાંથી વાનગીઓ ગાયબ થઇ ચુકી છે. એક બાજુ રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે ગુજરાતમાં ગેસ સિલિન્ડરની અછત નથી અને ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી; બીજી બાજુ ગેસની અછતને લીધે હોટલ-રેસ્ટોરન્ટથી માંડીને ખાણીપીણી બજાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં જ રેસ્ટોરન્ટ અને લારીઓ પર 'તળેલી વાનગી નહીં મળે, માત્ર ખીરૂ-મટીરિયલ મળશે' તેવા પાટિયા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અત્યારે કોમર્શિયલ સિલિન્ડર તરત મળતા નથી.
તમામ સ્થળોએ સ્થિતિ વિકટ
કાળાબજારમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને છેક 4500 રૂપિયા બોલાઈ રહ્યો છે. આ સ્થિતિમાં હાઈવે પરની હોટલોમાં સિલિન્ડરની ભારે અછત વર્તાઈ રહી છે, જેના લીધે નાછૂટકે કોલસા અને લાકડાનો વિકલ્પ અપનાવવામાં આવ્યો છે. હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં ફરી 'ધૂમ્રશેષ' વાતાવરણ વચ્ચે રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે. તક જોઈને કોલસાના ભાવમાં પણ 20%નો વધારો ઝીંકી દેવાયો છે. હોટલ સંચાલકોના જણાવ્યા મુજબ, ગેસના અભાવે ઘણી વાનગીઓ બંધ કરવી પડી છે અને માત્ર રોજિંદા વપરાશની ચીજો જ બનાવવામાં આવે છે. આ કારણે ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
તમામ હોટલોએ કર્યો ભાવવધારો
યુદ્ધની અસરને પગલે આગામી દિવસોમાં જો હોટલ સંચાલકો ભાવવધારો કરશે, તો ગ્રાહકોનું બજેટ ખોરવાઈ જશે. જે ગ્રાહકો મહિનામાં એક-બે વાર હોટલમાં જમવા જતા હોય છે, તેમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, હોટલ એસોસિએશને પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે રાંધણ ગેસના સપ્લાયમાં અવરોધ ઊભો થયો છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો ગુજરાતના હોટલ-કેટરિંગ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડશે.
ઇલેક્ટ્રિક સગડી અને ઇન્ડક્શન વાસણો આઉટ ઓફ સ્ટોક
ગેસની અછત વચ્ચે ઇલેક્ટ્રિક સગડી, ઇન્ડક્શન અને તેના વાસણોની માંગ વધી છે. રાંધણ ગેસના બુકિંગની સમયમર્યાદા 25 દિવસ કરી દેવાતા લોકોએ ઇન્ડક્શન ખરીદવા દોટ મૂકી છે. ઇન્ડક્શનની માંગમાં 25% અને ભાવમાં 15% નો વધારો થયો છે. બજારમાં હાલત એવી છે કે ઇલેક્ટ્રિક સગડી અને ઇન્ડક્શન માટે 'આઉટ ઓફ સ્ટોક'ના પાટિયા લાગ્યા છે. પહેલા જ્યાં દિવસના 10-15 ઇન્ડક્શન વેચાતા હતા, ત્યાં હવે 100 જેટલા ગ્રાહકો તેની પૂછપરછ કરી રહ્યા છે. હાજર સ્ટોક ન હોવાથી ગ્રાહકોએ 10થી 15 દિવસનું એડવાન્સ બુકિંગ અને વેટિંગ કરવું પડી રહ્યું છે.
કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 4500 રૂપિયા
છેલ્લા એક અઠવાડિયાથી કોમર્શિયલ સિલિન્ડર મેળવવો 'લોઢાના ચણા ચાવવા' સમાન બની ગયો છે. ગેસની અછતનો લાભ લેવા કાળાબજારીયાઓ સક્રિય થયા છે અને સિલિન્ડરના 4500 રૂપિયા સુધી વસૂલવામાં આવે છે. સામાન્ય દિવસોમાં જે સિલિન્ડર સરળતાથી મળતા હતા, તે હવે બમણા ભાવ આપવા છતાં ઉપલબ્ધ નથી. ગેસ પુરવઠો ખોરવાયો હોવાની અફવા ફેલાવીને સિલિન્ડરનું બ્લેક માર્કેટિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.


